મુન્દ્રામાં 17 લાખની ઠગાઈ કરનાર ભુજનો આરોપી ઝડપાયો

મુન્દ્રા પોલીસ મથક મધ્યે નોંધાયેલા 17 લાખની છેતરપિંડીના બે જુદા જુદા બનાવોના ફરાર ભુજના આરોપી ને સ્થાનિક પોલીસે દબોચી લેતાં પૂછપરછ દરમ્યાન કંડલામાં થયેલી 9.5 લાખની ઠગાઇનો ભેદ પણ ઉકેલાયો હતો.

પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપી હનીફ ઓસમાણ સમેજા (ઉ.વ.38 રહે. આઝાદ નગર,સુરલ પીઠ રોડ-ભુજ)એ 16/10/2021ના રોજ મુન્દ્રામાં ખોટા નામ ઠામ ધારણ કરી વેલ્ડિંગ રોડ અડધા ભાવે આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા.જયારે 5/2/22 ના એક સમાન મોડ્સ ઓપરેન્ડી અજમાવી ફરિયાદીને બેઝ ઓઇલ નો પરવાનો કઢાવી આપી સસ્તા ભાવે ઓઇલ આપવાનું કહી બાર લાખનો ચૂનો ચોપડ્યો.

આ સંદર્ભે મુન્દ્રા પોલીસ મથકે છેતરપિંડીના બે ગુના નોંધાયા હતા.આમ છેલ્લા દસ મહિનાથી પોલીસને હાથતાળી આપી નાસ્તા ફરતા હનીફને બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સ ની મદદથી દબોચી લેવાયા બાદ તેની આગવી ઢબે પૂછપરછ કરાતાં તેણે આઠ માસ અગાઉ કંડલા મરીન પોલીસ હસ્તકના વિસ્તારમાંથી પણ 9.5 લાખની છેતરપિંડી કરી હોવાની કેફિયત આપી હતી.આમ મુન્દ્રા પોલીસને ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.