મુન્દ્રાના 21 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી સહિત દેશમાં 10 સ્થળે રેડ 


મુંદ્રા પોર્ટથી ગત વર્ષે ઝડપાયેલા અને આખા દેશમાં ચર્ચાનું કેંદ્ર બનેલા 21 હજાર કરોડના ત્રણ ટન હેરોઈનના જથ્થાના કેસમાં વધુ એક વાર NIA દ્વારા મોટા સ્થળે એક સાથ દસેક જેટલા સ્થળોએ રેડ પાડવાની કાર્યવાહી આરંભાઈ હતી. આ સ્થળોમાં દિલ્હીની ક્લબ, ગોડાઉન અને ગુજરાતના કેટલાક સ્થળો પણ સામેલ હોવાની સંભાવના વ્યક્ત કરાઇ હોવાનું સામે અવવ્યું છે, તો બીજી તરફ આ કેસમાં બે અફઘાનિસ્તાનના આરોપીઓને સાબરમતીથી યુપીની જેલમાં સ્થળાંતરીત કરવાની પરવાનગી વિશેષ કોર્ટે આપી દીધી હોવાનું જાણવા મળે છે, આ બન્નેએ ત્યાં એક કેસ ચાલતો હોવાનું કારણ આગળ ધર્યું હતું.
સપ્ટેમ્બર, 2021માં અફઘાનિસ્તાનના કંદહારથી હસન હુસેન લિમિટેડ કંપની દ્વારા સેમી ટોલ્ક પાવડર હોવાનું જાહેર કરીને ત્યાંથી ઈરાનના બંદર અબ્બાસ પોર્ટ પર લોડ કરીને ત્યાંથી મુંદ્રા પોર્ટમાં કન્ટેનરથી લવાયુ હતું. DRI ની ટીમે આ કારનામાને રંગે હાથ ઝડપી પાડીને જોત જોતામાં આયાતકાર આંધ્રપ્રદેશના દંપતિ સહિત દસ લોકોને ઝડપી પાડ્યા હતા. જે કેસમાં પાકિસ્તાનના આતંકી ગતીવીધીનું ક્નેક્શન પણ બહાર આવતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આગળની તપાસ હાથ ધરી હતી, જેના દ્વારા દિલ્હીની ક્લબ સહિત દસેક સ્થળોએ ફરી રેડ પાડતા કેસ ફરી પ્રકાશમાં આવ્યો હતો.
NIA ની ટીમ ગત મહિનેજ મુંદ્રામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જેના પગલે વિવિધ ચર્ચાઓ પણ છેડાઈ હતી, પરંતુ અંતે જુના કેસના સંલગ્નની તપાસમાં આગમન થયાનું બહાર આવ્યું હતુ, જોકે તે અંગે કોઇ સતાવાર વિગતો જાહેર કરાઈ ન હતી.