છછી ગામે ભેંસના મુદ્દે ઢોરી ગામના પિતા પુત્રો પર ધારિયા લાકડીથી હુમલો


ભુજ તાલુકાના ઢોરી ગામે રહેતા પિતા પુત્રો સહિત ચાર લોકો પર ભેંસ મુદ્દે વિવાદ થતાં ઇસમે ધારિયા લાકડીથી માથાના ભાગે હુમલો કરાતાં ચારેય જણાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ સંદર્ભે ઢોરી ગામના હારૂન હાજી જુણેજાએ જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં MLC માં નોંધ કરાવી હતી કે, બનાવ બુધવારે બપોરે ત્રણ વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાના અરસામાં છછી ગામે બન્યો હતો.
ઘાયલ તેમના ભાઇ અમીન હાજી જુણેજા (ઉ.વ.52), ભત્રીજા સુલતાન અમીન જુણેજા (ઉ.વ.26), મુસ્તાક અમીન જુણેજા (ઉ.વ.24), અનવર અમીન જુણેજા (ઉ.વ.22) રહે. ઢોરીની ભેંસો છછી ગામે હોઇ ભાઇ-ભત્રીજા છછી ગામે ગયા હતા. જ્યાં કાકાઇ ભાઇ ભીલાલ હાજી સાથે ભેંસો મુદ્દે બોલાચાલી થઇ હતી. જેમાં ઉસ્કેરાઇને ચારેય જણાઓને લાકડી ધારિયાથી માર મારીને માથા તથા હાથ પગ તેમજ પીઢમાં ઇજા પહોંચાડી. તમામને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. બનાવ અંગે પોલીસે જાણવા જોગ નોંધ લઇને આગળની કાર્યવાહી કરી.