રોજ 100 ટ્રેન પસાર થતાં આદિપુર – મેઘપર બોરીચી ફાટક હજારો લોકો માટે બન્યું પીડાજનક


મેઘપર બોરીચીના રેલવે ક્રોસીંગ ફાટક હજારો લોકો માટે માથાના દુખાવા સમાન બનેલી છે. ગત રોજ વધુ એક વાર હ્રદયદ્રાવક દ્રશ્યો નજરે આવ્યા હતા. હાર્ટએટેક આવતા પ્રોઢને આદિપુરમાં સારવાર અર્થે લઈ જવા માંગતા પરિવારને બંધ ફાટક નડ્યુ અને અડધો કલાક સુધી વારંવારની વિનંતી કરવા છતાં ખોલવામાં આવ્યું ના હતું. રેલવે પ્રશાસન આ પાછળના ઘણા ટેક્નિકલ કારણો આગળ ધરી રહ્યું હતું.
આદિપુરને અડીને આવેલા અંજાર તાલુકાની સીમામાં આવેલ મેઘપર બોરીચી વિસ્તારના રહેતા લોકોનો જોડાણ ગાંધીધામ સંકુલ સાથે હોવાથી રોજ હજારોની સંખ્યામાં લોકો લીલાશાહ ફાટકથી અવર-જવર કરે, અને અહીથી રોજ 100 જેટલી ટ્રેનો પસાર થતા કલાકો સુધી ફાટક બંધ રહે છે. જેનો ભોગ અહીથી પસાર થતા અંદાજે 20 હજાર જેટલા લોકો રોજ બનવું પડે છે. અહી ચાલતી મજાક અનુસાર તો ફાટક ન નડે,તો નવાઈની વાત છે!
રાત્રીના 11 વાગ્યે સ્થાનિક રહેવાસી પ્રોઢને હાર્ટએટેક આવતા તેમને કારમાં પરિવાર આદિપુરની હોસ્પિટલ લઈ જઈ રહ્યું હતું ત્યારે ફાટક બંધ હતું. સતત કથળતી પ્રોઢની સ્થિતિ, તેનાથી આકુળ વ્યાકુળ થઈ રહ્યો પરિવાર અને આસપાસના લોકોએ રેલવેમેનને એક વાહનને પસાર થવા માટે વારંવાર વિનંતીઓ કરવામાં આવી અને પ્રોઢને ઉંચકીને ફાટક સુધી પણ લઈ અવાયા, પણ ફાટક ખૂલી નહિ. એક ટ્રેનના ગયા પછી પણ ફાટક ખોળાયું નહિ અને 15 મિનિટ બાદ વધુ એક માલગાડી પસાર થઈ.અંદાજીત અડધો કલાક વિત્યા પછી ફાટક ખોલતા દર્દીને હોસ્પિટલ ખસેડાયા. આ ઘટનાને પોતાના કેમેરેમાં કેદ કરનારા સામાજિક કાર્યકર્તા કિશોરસિંહ જાડેજાએ જણાવ્યું કે” આ તો એક ઘટના છે, અહી એવા પરિવારો છે કે જેમના ઘરે આ ફાટકથી હોસ્પિટલ ન પહોંચી શકતા મોત નિપજી ચુક્યા છે.”
અહી રહેતા દીપકસિંહ જાડેજાએ જણાવ્યું કે ફાટક બંધ હોવાથી શાળાની બસો, વાહનો અટકાઈ રહે છે, જેથી પ્રાથના સુધીમાં બાળકો સ્કુલ પહોંચી ન શકે તેમને બહાર ઉભા રાખવામાં આવે છે. આવી અનેક ઘટનાઓનો ભોગ હજારો લોકો રોજ બને છે.
મેઘપર બોરીચી અને આદિપુર વચ્ચેના ફાટકમાં અંડરબ્રીજ નિર્માણને મંજુરી વર્ષો પહેલા અપાઈ ચુકી છે. થોડા સમય પહેલા અહી ટીમ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઇને કોઇ કારણોસર હજી સુધી કામની શરૂઆત કરાઈ નથી. આંતરીક સુત્રોએ જણાવ્યું કે ખોદકામ ક્યાંથી શરૂ કરવું તે અંગે કોઇ વિવાદનો જન્મ થતાં કામ પાછુ વિવાદમાં સપડાઈ ગયું છે. તો બીજી બાજુ લોકોની ફરિયાદ વધી રહી છે.