નાના અંગીયાની વાડીમાંથી 5.11 લાખના મશીનની ચોરી

નખત્રાણા તાલુકાના નાના અંગીયા ગામે રહેતા ખેડૂતે હજુ બે માસ પૂર્વે દાડમના પાકમાં દવા છાંટવા માટે 5 લાખ 11 હજારની કિંમતનું બ્લોઅર મશીન લીધું હતું. મશીનની ચોરી થઈ જતાં નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ નાના અંગીયા ગામે રહેતા પ્રફુલ્લભાઇ વેલજીભાઇ પારસીયા નામના ખેડૂતે ફરિયાદમાં જણાવ્યું કે દાડમના પાકમાં જંતુનાશક દવા છાટવાના હેતુસર હજુ બે માસ પૂર્વે જ ખરીદેલું 5લાખ 11 હજારની કિંમતનું બ્લોઅર મશીન જે વાડીના વાડામાં ઓજારો, ટ્રેકટર સહિતના સામાન સાથે રાખેલું તે બ્લોઅર મીશન રવિવારની સાંજથી સોમવારની સવાર દરમિયાન કોઈક ચોરી કરી ગયો હતો.

ફરિયાદીએ આ ખરીદેલા નવા મશીનનો હજુ ઉપયોગ પણ કર્યો ન હતો. ત્યાં ચોરાઇ જતાં આસપાસની વાડીઓ અને સગાસબંધીઓમાં પુછપરછ કર્યા બાદ ગુરૂવારે નખત્રાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇને તસ્કરનું પગેરૂ મેળવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે