શ્રાવણ જેવા પવિત્ર મહિનામા જ રામધૂન પાછળના શિવ મંદિરમાં દાનપેટી તોડી 20 હજારની ચોરી


તાજેતરમાં જ ભુજના છઠ્ઠીબારી વિસ્તારમાં જૈન દેરાસર, કુળદેવીના મંદિરમાંથી તેમજ દુકાનમાંથી ચોરી થયાની ઘટના તાજી જ છે ત્યાં ફરી ભુજના રામધૂન પાછળ આવેલા ગોસ્વામી સમાજના શિવ મંદિરની દાનપેટી તોડીને નિશાચર રોકડ રૂપિયા 20 હજારની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી. ભુજના બન્ને બનાવોમાં સીસીટીવી ફુટેજમાં ચોરી કરવા આવેલા ઇસમો દેખાય છે. બનાવતી પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે જુની રાવલવાડીમાં રહેતા અને ગોસ્વામી સમાજવાડીના કારોબારી સભ્ય અલ્પેશભાઇ જેઠીગર ગોસ્વામીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, બનાવ ગુરૂવારે વહેલી પરોઢે 3:22વાગ્યાથી 3:40 વાગ્યા દરમિયાન બન્યો છે. રામધૂન પાછળ આવેલા ગોસ્વામી સમાજના વિચિત્રગીરી બાપુએ જીવતા સમાધી લીધી હોઇ તે જગ્યાએ સામજ દ્વારા શંકર ભગવાનના મંદિર બનાવ્યું છે. એ મંદિરની કોઇક દાનપેટી તોડી અંદરથી અંદાજે ૨૦ હજારની રોકડ રકમ ચોરી ગયો છે.
સમાજના આગેવાનોએ સીસીટીવી ચકાસતાં ગુરૂવારે મોડી રાત્રીના મંદિર તરફ જતો જોવા મળ્યો હતો અને પરોઢે 3:40 મિનિટે પરત જતો દેખાયો હતો. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા છઠ્ઠી બારી રીંગ રોડ પર જૈન દેરાસર, કુળદેવીના મંદિર અને દુકાનમાંથી ચોરીને અંજામ આપનાર આરોપી સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. જેની ઓળખ માટે પોલીસે તસ્કરની તસ્વીર પણ જાહેર કરી હતી. જે હજુ સુધી પકડાયો નથી.