અંજારના વરસામેડી પાસેથી બિનવારસી બંધક બનાવેલા 10 ગૌ વંશમાં 7 દેહ મૃત હાલતમાં મળતા લોકોમાં ચકચાર મચી 


અંજાર તાલુકાના વર્ષામેડી પાસે આવેલી ક્રિષ્ના સોસાયટીના એક બંધ ઘર માંથી બુધવારે 10 જેટલા ગૌ વંશ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. બનાવના પગલે સમગ્ર કચ્છમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની ગંભીરતા એ છે કે 10 પૈકી 7 ગૌ વંશ મૃતપ્રાય હાલતમાં મળી આવ્યા છે. અને તમામ પશુઓને બંધક બનાવી રખાયા હોવાનો દાવો ઘટનાને ઉજાગર કરનાર ગૌ સેવકોએ કર્યો છે. પવિત્ર શ્રાવણ માસમાં સામે આવેલી આ દર્દનાક ઘટનાની જાણ પોલીસમાં કરાતા અંજાર પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ આગળની તપાસ હાથ ધરી. આ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર અંજારના વરસમેડી નજીક સર્વે નંબર 463 અને 464માં આવેલી એક બંધ ઘર માંથી 10 જેટલા પશુઓ મળી આવ્યા હતા. આ અંગે પૂર્વ બાતમીના આધારે ઘટનસ્થળે પહોંચી ગયેલા
ગૌ સેવકો દ્વારા તપાસ કરતા આ ગૌ વંશ અંદાજિત 10 થી 15 દિવસ પહેલા અહીં બંધ કરાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેમાંથી 7 પશુઓના મૃત્યુ થયેલ છે જ્યારે ત્રણ પશુઓ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. આ વિષે ગૌ સેવા સંસ્થાના રાજભા ગઢવીએ સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે ગૌ વંશ પુરાયેલા હોવાની જાણ થતાં અહીં તાત્કાલિક દોડી આવી સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તુરંત પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં બંધ ઓરડીમાં લાગેલું તાળું તોડી જીવિત પશુઓને મુક્ત કરી સારવાર માટે ખસેડયા હતા. ગૌ વંશને અહીં ગણા દિવસો સુધી બંધ રાખવામાં આવ્યા બાદ તેઓ મૃત્યુ પામ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. અલબત્ત અંજાર પોલીસમાં સંપર્ક સાધતા આ મામલે હજુ વિધિવત ફરિયાદ મળી ન હોવાનું જણાવી પોલીસ ઘટનાની તપાસ માટે ગઈ હોવાનું કહ્યું હતું.