મોદીની સભામાં ભીડ એકઠી કરવા મોબાઈલ કન્ટ્રોલ રૂમ

ભુજ શહેરમાં 28મી ઓગસ્ટે PM નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ થવાનું છે અને આજ દિવસે રોડ શો બાદ યુનિવર્સિટીમાં અભૂતપૂર્વ જાહેર સભા યોજાશે, જેથી કચ્છ જિલ્લાના દસેદસ તાલુકાઓમાંથી એસ.ટી.ની 165 બસો દોડાવાશે. જેના ઉપર દેખરેખ રાખવા માટે મોબાઈલ કન્ટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયો છે. DDO ભવ્ય વર્મા દ્વારા કચ્છ જિલ્લાના દસેદસ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી એસ.ટી.ની 165 બસો દ્વારા આવનારા લોકો માટે સંચાલન વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં દરેક બસનું સંચાલન પ્રાથમિક શિક્ષકો દ્વારા કરવામાં આવશે.

દરેક બસમાં ઓછામાં ઓછા 45 અને વધુમાં 50 પ્લસ મુસાફરો લાવવા અને પરત લઈ જવા કહેવાયું છે. જે માટે દરેક બસમાં 60 ફૂડપેકેટના પેકિંગ પણ પહોંચતા કરી દેવાશે. જે સમગ્ર કાર્યવાહીની સ્થિતિ જાણવા માટે જિલ્લા પંચાયતની કચેરીમાંથી મોબાઈલ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. જેનો પળેપળનો અહેવાલ જિલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચાડાય છે. દસેદસ તાલુકા મથક અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવનારી એસ.ટી. બસોની પાર્કિંગ વ્યવસ્થા પણ તાલુકા મુજબ રખાઈ છે. જેને જુદા જુદા કલર કોડથી અલગ તારવાશે, જેથી અવ્યવસ્થા ન સર્જાય.