પરિવાર ઉપર સૂતો હતો, નીચે 8.11 લાખના ઘરેણા અને રોકડની કરાઇ તસ્કરી


આદિપુરમાં પરિવાર ઉપરના માળે સૂતો હતો અને નીચે પ્રવેશેલા ચોર રૂ.8.11 લાખની માલમત્તા ઉઠાવી ગયા હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે દર્જ કરાવાઈ છે.
આદિપુર વોર્ડ-1/એ ટીડીએક્સ મકાન નંબર-30 માં રહેતા હરિઓમ જ્વેલર્સના માલિક અમિતભાઇ જયંતિલાલ સોની (ચાંપાનેરિયા)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાત્રે તેમનો પરિવાર ઉપરના માળે સૂઇ ગયા પછી વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં બહારના ભાગેથી અમુક સખ્શો મોબાઇલની ફ્લેશ લાઇટ નાખતાં તેઓ જાગી ગયા હતા. બુમાબુમ કરી તેમણે નાના ભાઇને બોલાવી લીધા હતા તે દરમિયાન અજાણ્યા સખ્શો તેમના ઘરની સીડી ઉતરી મેઇન દરવાજો ખોલીને નાસી ગયા હતા.
તપાસ કરતાં લાકડાના કબાટમાંથી રૂ.1,20,000 ની કિંમતની 34 ગ્રામની બે સોનાની બંગડીઓ, રૂ.1,90,000 ની કિંમતનો 50 ગ્રામ વજનનો સોનાનો હાર, રૂ.60,600 ની કિંમતની સોનાની ડાયમન્ડવાળી બે બુટ્ટીઓ, રૂ.76,000 ની કિંમતની સુનાની બે જોડી સાદી બુટ્ટી, રૂ.57,000 ની સોનાની 5 વીંટી, રૂ.95,000 નું સોનાનું મંગળસૂત્ર, રૂ.7,600 ના સોનાના બે પેન્ડલ, રૂ.34,900 ની કિંમતના ચાંદીના કડલા અને પોંચી, રૂ.45,000 ની કિંમતની ચાંદીની તૂટેલી ફૂટેલી ચીજ વસ્તુઓ મળી કુલ રૂ.6,86,100 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને તેમના પત્ની કૃપાબેન અને માતાએ રાખેલી રૂ.1,25,000 રોકડ મળી કુલ રૂ.8,11,100 ની માલમત્તા ચોર ચોરી ગયા હોવાનો ખ્યાલ આવતાં આ અંગે તેમણે આદિપુર પોલીસ મથકે ફરિયાદ દર્જાવી હતી. પીએસઆઇ એચ.એસ.તિવારી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.