આદિપુરમાં થયેલ 8.11 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો,બે શખ્સની કરાઇ ધરપકડ  

આદિપુરમાં રહેતા સોની વેપારીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ કિંમત રૂપિયા 8.11 લાખની માલમત્તા ચોરી કરનાર બે શખ્સોઓને પોલીસે રૂપિયા 5.85 લાખના દાગીના અને રોકડ તેમજ ત્રણ અલગ અલગ કંપનીના મોબાઇલ તથા ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ ભેદ ઉકેલી લેવાયો છે

પીએસઆઇ એચ.એસ.તિવારીએ મ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આદિપુર વોર્ડ-1/એ ટીડીએક્સ મકાન નંબર-30 માં રહેતા હરિઓમ જ્વેલર્સના માલિક અમિતભાઇ જયંતિલાલ સોની (ચાંપાનેરિયા)એ ચોર તેમના ઘરમાંથી કુલ રૂપિયા 6,86,100 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂપિયા 1,25,000 રોકડ મળી કુલ રૂપિયા 8,11,100 ની માલમત્તાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ તારીખ 26/8 ના રોજ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે શખ્સોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા

જેમાં સીસી ટીવી ફૂટેજ અને મળેલી આધારભૂત બાતમીના આધારે મેઘપર કુંભારડી રહેતા દાઉદ ઉર્ફે દવલો ઉર્ફે નજીયો અલીમામદ જામ અને કિડાણા ભુકંપનગરમાં રહેતા મહમ્મદરફિક અનવરકરીમ લાડકાને ઝડપી  તેમની પાસેથી ચોરાઉ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા 5,85,023 ની માલમત્તા રિકવર કરવાની સાથે રૂપિયા 1,500ની કિંમતના 3 જુદી જુદી કંપનીના મોબાઇલ તથા રૂપિયા 20,000 ની કિંમતની ચોરાઉ બાઇક પણ કબ્જે કરી હતી. પકડાયેલા શખ્સોની પુછપરછમાં વધુ ચોરીના ભેદ ઉકેલાય તેવી આશા પોલીસને દેખાઇ રહી છે.

ઘરફોડ તેમજ વાહન ચોરીમાં ઝડપાયેલા બન્ને આરોપીઓનો ઇતિહાસ ગુનાહિત હોવાનું પોલીસે જણાવ્યું છે, જેમાં દાઉદ ઉર્ફે દવલો ઉર્ફે નજીયો અલીમામદ જામ સામે અંજાર અને આદિપુર પોલીસ મથકે હત્યા સહિતના ગુના નોંધાયેલા છે. તો મહમ્મદરફિક અનવરકરીમ લાડકા વિરૂધ્ધ આદિપુર પોલીસ મથકે ચોરી સહિતના બે ગુના નોંધાયેલા છે.

ગાંધીધામના ઓમ સિનેમા પાસે શંકાસ્પદ ચોરીના બાઇક સાથે ઉભેલા ભચાઉ નંદગામના રોનક ઉર્ફે ભુકંપ ભલાભાઇ બઢીયાને પકડી લઇ પુછપરછ કરતાં એ બાઇક ગાંધીધામથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. વધુ પુછપરછમાં તેણે વધુ બે બાઇક ચોલરી કરી હોવાનું જણાવી એ બે બાઇક નંદગામ મધ્યે રાખી હોવાનું કહેતાં પોલીસે રૂપિયા 1,35,000 ની કિંમતની ત્રણ બાઇક સાથે તેની અટક કરી વધુ પુછપરછ હાથ ધરાઇ હોવાનું એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.પટેલે જણાવ્યું હતું.


ગાંધીધામના સુભાષનગરમાં રહેતા આદિપુર વોર્ડ-2/એ માં આવેલી માધવ હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતા ડો. અમિતકુમાર મહેન્દ્રભાઇ ચૌહાણે પોતાની બાઇક હોસ્પિટલના પાર્કિંમાંથી ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી આ બન્ને ઝડપી પડાયેલા તસ્કરો પાસેથી એ બાઇક મળી આવતાં તે ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો.