આડેસરમાં બનેવીએ સાળા ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો


રાપર તાલુકાના આડેસર મધ્યે ઘર પાસેથી પસાર થવા બાબતે બોલાચાલી કરી સગા બનેવીએ સાળા ઉપર કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આડેસર પોલીસ મથકે કરાઇ છે. મુળ રાપર વેકરાના અને હાલમાં આડેસરના મહાદેવનગરમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા 23 વર્ષીય જયેશભા પૂંજાભાઇ ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ઘટના રાત્રે 10:30 વાગ્યાના સમયગાળામાં બની હતી. જેમાં તેમણે ચરાવવા મુકેલી ભેંસો મોડે સુધી પરત ન આવતા તેમના માતા સુમરીબેન સાથે ભેંસો શોધવા માટે બાઇક પર નિકળ્યા હતા.
તેઓ તેમના બનેવી કરણીદાન ઉર્ફે વિશાભા નરસંગભા ગઢવીના ઘર પાસેથી પસાર થતા હતા. ત્યાં વરસાદને કારણે ગારો હોવાથી તેમના માતા ઉતરી ગયા હતા અને તેઓ ધીમે ધીમે બાઇક ચલાવી રહ્યા હતા. ત્યારે ઘર પાસે કાર પાસે બેઠેલા કરણીદાને તું મારા ઘર પાસેથી કેમ નીકળે છે એવું કહી ગાળો આપતાં તેમને ગાળો બોલવાની ના કહેતા તો ઉશ્કેરાઈ ગયેલા કરણીદાને કાર ચાલુ કરી તેમને મારી નાખવાના ઇરાદાથી કાર તેમના ઉપર ચડાવી દીધી. રીવર્સ લઇ ફરી કાર પેટ ઉપરથી ફરાવી હતી.
કરોડરજ્જુ, છાતી, પેટ અને પગમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને 108 વડે પ્રથમ પલાસવા , ત્યારબાદ ગાંધીધામ અને વધુ સારવાર માટે પાટણ લઇ જવામાં આવ્યા. હોસ્પિટલમાંથી રજા મળતાં તેમણે આડેસર પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.