એક નજર મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર પર

મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજી (૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક, શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. ૧૯૦૪થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫માં હિંદ આવ્યા પછી એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ૧૯૧૭માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯માં રોલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨માં અંગ્રેજો દ્વારા રાજદ્રોહનો આરોપ મુકાયો અને એમની ધરપકડ થઈ, પણ ૧૯૨૪માં એમને છોડી મુકાયા.

૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે વિશ્વવિખ્યાત દાંડીકૂચ આરંભી. ૧૯૩૬માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુધ્ધ ભારતના ભાગલા પડ્યા અને કોમી રમખાણો ફાટી નીકળ્યાં.