નળ સર્કલ પાસે ટ્રેઇલર નીચે આવી જતાં એક્ટિવા સવાર લોડાઇના યુવાનનું મોત

ભુજ માધાપર હોઇવે પરના નળ સર્કલ પાસે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનામાં ટ્રેઇલર સાથે ભટકાયા બાદ નીચે આવી જતાં એક્ટિવા સવાર લોડાઇ ગામના યુવકનું સારવાર પહેલા જ મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના સવારે અગ્યાર વાગ્યાના અરસામાં બની હતી. લોડાઇ ગામમાં રહેતા અને માધાપર હાઇવે પર એક વેપારીને ત્યાં નોકરી કરતા અલ્તાફ હુશેનભાઇ કુંભાર (ઉ.વ.20) અને તેની સાથે કામ કરતો રાહુલ કુમાર યાદવ બંને બેન્કના કામથી એક્ટિવા પર જઇ રહ્યા હતા.
ત્યારે નળ સર્કલ અને શેરે પંજાબ હોટલ વચ્ચેના રોડ પર પાછળથી આવતા ટ્રેઇલરના ચાલકે સાઇડ ક્રોસ કરતાં એક્ટિવાને અડફેટે લઈ લીધી હતી. જેના લીધે એક્ટિવા પર કાબુ ગુમાવી દેતાં હતભાગી અલ્તાફ ટ્રેઇલરના ટાયર નીચે આવી ગયો. આથી ગંભીર ઇજાઓ પહોચવાને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ અવાતાં ત્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.