પંજાબના 38 કિલો હેરોઇન કેસમાં નારાયણ સરોવર પાસેના લક્કી ગામમાંથી બે શંકાસ્પદ યુવાનોને ATSએ ઉઠાવતા ચકચાર


કચ્છનો સરહદી વિસ્તાર હાલના સમયમાં નશીલા પદાર્થની હેરફેર માટે જાણીતો છે. છેલ્લા કેટલાક સમયથી દરિયાઇ વિસ્તારમાં મોટી સંખ્યામાં બિનવારસુ ચરસના પેકેટ મળે છે. આ ઉપરાંત મુન્દ્રા બંદરેથી પણ ડ્રગ્સનો મોટોજથ્થો પકડાઈ ચુક્યો છે. કચ્છમાંથી પંજાબ સુધી ટ્રકમાં મોકલવામાં આવેલા 38 કિલો હેરોઇન કેસમાં એટીએસની ટીમ દ્વારા કચ્છમાં પડાવ નાખી સરહદી લખપત તાલુકાના લક્કી ગામના 2 યુવાનોને પૂછપરછ માટે ઉઠાવી લેવાતા ભારે ચકચાર મચી ગઈ.
પંજાબ પોલીસના વડાએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ડ્રગ્સ મંગાવીને પંજાબમાં ઘુસાડવામાં આવે છે. જેથી વિવિધ સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવે છે. આ દરમ્યાન લુધિયાણા પોલીસે બાતમીના આધારે શહીદ ભગતસિંહનગરના મહાલોન બાયપાસ પર નાકાબંધી કરીને ડ્રગ્સ લઈ જતી ટ્રક અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે ટ્રક ચાલકે પોલીસને જોઈ ટ્રક પૂરપાટ ઝડપે ભગાવતા પીછો કરી ટ્રક ડ્રાઈવર કુલવિન્દર રામ ઊર્ફે કીંડા અને ક્લિનર બિટ્ટુને દબોચી પાડ્યા હતા.
ટ્રકના ટૂલબોક્સની તપાસ કરતાં તેમાં તાડપત્રીમાં વીંટાયે 38 કિલો હેરોઈન મળી આવ્યું. લુધિયાણાના રાજેશ નામના ઇસમે આ માલ કચ્છથી લેવાનો કહ્યું હોવાની કબુલાત કરવામાં આવી હતી.રાજેશે જે સ્થળેથી હેરોઈન લેવાનું કહ્યું હતું તેનું લોકેશન મોકલ્યું હતું, જેથી ડ્રાઇવર અને ક્લીનર સ્થળ પર માલ લેવા ગયા હતા ત્યારે અજાણ્યા સખ્શે હેરોઈન આપ્યું હતું.રાજેશ અને કુલવિન્દર રીઢા ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે.
પંજાબ પોલીસના ઇનપુટના આધારે ગુજરાત ATSની ટૂકડીએ લખપત તાલુકાના લક્કી ગામમાં પડાવ નાખી બે ઇસમોને ઉઠાવ્યા તેમજ હજી પણ તપાસ ચાળે છે. મહત્વની વાત એ છે કે, અવારનવાર મુન્દ્રા પોર્ટમાંથી હેરોઇન મળે છે ત્યારે હવે છેવાડાના દુર્ગમ ગામના બે યુવાનોની સંડોવણી સામે આવતા આ મુદ્દો ચર્ચાનું વિષય બન્યો છે. આ યુવાનોની ભૂમિકા શુ છે ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.વધુ કડાકા ભડાકા સાથે સ્થાનિક કડીનો પણ પર્દાફાશ થશે તેવું સૂત્રોએ જણાવ્યું.
પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું કે, ડ્રગ્સ કેસની તપાસ માટે એટીએસની ટીમ આવી હોવાની વિગત મળી છે આ સિવાય કોઈ ઇસમોને પૂછપરછ માટે લઈ જવાયા હોવાની સતાવાર જાણ કરવામાં આવી ન હોવાથી માહિતી નથી.