આગગ્રસ્ત જહાજના 15 ક્રૂમેમ્બર વતન પરત આવતા સલાયામાં ઇદનો માહોલ છવાયો

દુબઇથી યમન જવા માટે નીકળેલા અલ આલમ જહાજમાં 15 ઓગસ્ટના મધ દરિયે આગ ફાટી નીકળતાં તેમાં સવાર થયેલા માંડવી તાલુકાના સલાયાના તમામ 15 ક્રૂમેમ્બર સમુદ્રમાં કૂદી ગયા હતા. તે સમયે અન્ય એક કાર્ગો ભરેલી શીપે ખલાસીઓને બચાવી લીધા અને ઓમાનના સલાલા બંદરે પહોંચાડ્યા હતા. દુર્ઘટનામાં હેમખેમ બચી ગયેલા ખલાસીઓ વતન આવતાં સલાયામાં ઇદ જેવો માહોલ છવાયો હતો.

માંડવીના જહાજવાડામાં એક હજાર ટનની ક્ષમતા સાથે બનાવવામાં આવેલ એમએનડી 2172 રજીસ્ટ્રેશનવાળું અલ આલમ જહાજ તા. 12/8ના કાર્ગો ભરીને દુબઇથી યમન જવા માટ નીકળ્યું હતું. તા. 15/8ના મછીરા ટાપુ પાસે પહોંચ્યું ત્યારે અચાનક આગ ફાટી  હતી જેને બુઝાવવા ક્રૂમેમ્બર્સે પ્રયત્ન કર્યો હતો પણ સફળ ન થતાં છેવટે તમામ દરિયામાં કૂદી ગયા હતા.

તેમની વહારે આવેલા વિદેશી જહાજે તમામ ખલાસીઓને બીજા દિવસે સલાલા બંદરે ઉતાર્યા. તમામ ક્રૂમેમ્બર સલાલાથી મસ્કત, મસ્કતથી મુંબઇ અને મુંબઇથી અમદાવાદ વિમાન માર્ગે પહોંચ્યા અને અમદાવાદથી બાય રોડ વતન સલાયા આવી પહોંચતાં ગામ અને પરિવારમાં ઇદ જેવી ખુશીનો માહોલ ઊભો થયો હતો. તેમ વહાણવટી એસોસિયેશનના પ્રમુખ હાજી આદમ સિદ્દિક થૈમે જણાવ્યું હતું કે જહાજ ગુમાવનારા માલિક સાલેમામદ આદમ સમેજા અને તેમના ભાઇ ઇબ્રાહિમ આમદ સમેજાએ ક્રૂમેમ્બર્સને વતન પહોંચાડવામાં સહાય કરી હતી.