નલિયાના ગોદામમાંથી 33 હજારના સામાનની ચોરી કરનારા ત્રણ ઇસમો ઝડપાયા


અબડાસા તાલુકા નલિયાના કોસ્ટગાર્ડ પાસે આવેલા ઇલેક્ટ્રિક સામાનના ગોડાઉનમાંથી 33 હજારના સામાનની ચોરી કરનાર કોઠારાના ત્રણ ચોરોને સ્થાનિક પોલીસે મુદામાલ સહિત ઝડપી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
મળતી વિગતો અનુસાર નલિયા પોલીસે બાતમીના આધારે કોઠારા જખૌ ત્રણ રસ્તા પર ચોરી કરી લઈ જતા માલ સાથે રવિ બાદુરભાઇ કવાટીયા (દેવીપુજક) રહે કોઠારા, વિક્રમ કેસુ ચુનારા રહે કોઠારા સુથરી રોડ, મુળ મોરબીના હાલ કોઠારા રહેતા જીગ્નેશ જીવરાજ કુઢિયા (દેવીપુજક) નામના ત્રણ ઇસમોને ચાર સીલીંગ અને એક સ્ટેન્ડ પંખો, ઇન્ડેક્સ સગડી, બીડના પાઇપ, પાણીની સબમર્શીબલ મોટર, પ્લમ્બીંગ કટીંગના સમાન મળી કુલ 17 હજારનો મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. આરોપીઓએ નલિયા ખાતે કોસ્ટગાર્ડની બાજુમાં આવેલા શિવ શક્તિ એન્ટર પ્રાઇઝના ગોડાઉનમાંથી તસ્કરી કરી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી વધુ વિગત જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
અબડાસા તાલુકાના વાયરો મધ્યે અલ્ટ્રાટેક કંપનીના સોલાર પ્લાન્ટમાંથી રૂપિયા 3 હજારની કિંમતની સોલારની ત્રણ પ્લેટો કોઇ અજાણ્યા ઇસમો સાંજ દરમિયાન ચોરી કરી જતાં કંપનીના ઇજનેર નયન હરસુખભાઇ પરમારે વાયરો પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે