રાપરમાં 3 સખ્શોએ મારી નાખવાના ઈરાદાથી મહિલાના માથાના ભાગે કુહાડીના 2 ઘા માર્યા


રાપરમાં વારંવાર ફરિયાદ કેમ કરે છે એવું કહીને 3 સખ્શોએ સાથે મળી મહિલાના માથાના ભાગે કુહાડીના બે ઘા મારીને મારી નાખવાની કોશિશ કરી હતી. છોડાવવા આવેલા મહિલાના પતિને પણ લાકડીઓથી માર મારવામાં આવતા બંને પતિ-પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગે રાપર પોલીસ મથકે રાપરના ત્રંબો ત્રણ રસ્તા પાસે રહેતા 38 વર્ષીય પુરીબેન ગોવિંદભાઈ પેથાભાઈ વરચંદની ફરિયાદને નજરે રાખી મળતી માહિતી અનુસાર ફરિયાદી જયારે તેમના ઘરે હતા ત્યારે રાપર તાલુકાના નીલપર ગામે રહેતો આરોપી રમેશ કુંભા રાકાણી (કોલી) અને અન્ય બે અજાણ્યા સખ્શો ફરિયાદીના ઘરે આવ્યા અને આરોપી રમેશે કેમ વારંવાર મારા વિરુદ્ધ ફરિયાદ કરશ તેવું કહી મારી નાખવાના ઈરાદાથી માથાના ભાગે કુહાડીના 2 ઘા માર્યા હતા. જેથી રાડો કરતા ફરિયાદીના પતી છોડાવવા આવતા ત્રણેય આરોપીઓ ગોવિંદભાઈને લાકડીથી માર મારવા લાગ્યા હતા.
જેથી તે પડી ગયા પછી ફરી મહિલાને આડેધડ લાકડીઓથી માર મારવા લગતા અન્ય લોકો આવી પહોચતા આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલ પતિ-પત્નીને પ્રથમ રાપર અને ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે રાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.