ભુજ ટાઉનહોલ ખાતે બાગાયત ખાતા દ્વારા ઈ-ખાતમુહૂર્ત અને મિશન કમલમ -કોમ્પ્રેહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ, મધમાખી મિશન યોજના પ્રારંભ કાર્યક્રમ યોજાયો ભુજ, ગુરૂવારઃ કૃષિ, ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ રાજય દ્વારા બાગાયત ખાતા હસ્તકના સેન્ટર ઓફ એકસલેન્સ અને પ્રાયમરી પ્રોસેસીંગ કેન્દ્રોના ઈ-ખાતમુહૂર્ત અને નવી યોજનાઓ મિશન કમલમ, કોમ્પ્રેહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ તથા મધમાખી મિશન કાર્યક્રમ અને બાગાયતી પાક પરિસંવાદ આજરોજ ટાઉનહોલ, ભુજ ખાતે યોજાયો હતો. જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજરોજ વિશ્વ સ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડક્ટની માંગને પહોચી વળવા કચ્છ, જિલ્લામાં નવ નિર્માણ પામનાર પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટના ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ હતું. તેમજ વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાત સરકારશ્રીના બાગાયત ખાતા દ્વારા ખેડૂતોના હિતાર્થે નવી યોજનાઓ અમલમાં મુકેલ છે. જે પૈકી રાજ્યમાં રૂ.૧૦૦૦.૦૦ લાખની કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને નવી આર્થિક સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ટાઉનહોલ, ભુજ ખાતેના કાર્યક્રમમાં ,”લાભાર્થી ખેડૂતોને સમૃધ્ધ કરવા સરકારી લાભો પહોંચાડવાના પ્રયત્નો કરીએ, એમ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વસ્તરીય ખેત પેદાશો તેમજ પ્રોસેસ્ડ પ્રોડકટની માંગને પહોંચી વળવા કચ્છ, બનાસકાંઠા, જામનગર અને પંચમહાલ જિલ્લામાં નવનિર્માણ થનાર પ્રાયમરી પ્રોસેસીંગ યુનિટનું ઈ-ખાતમુહૂર્ત કરાયું છે.આ સાથે રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા ખેડૂતોના હિતમાં નવી યોજનાનો અમલી કરતાં રાજ્યમાં રૂ.૧૦૦૦.૦૦ લાખની કમલમ ફળનું વાવેતર કરતા ખેડૂતોને નવી આર્થિક સહાય યોજના, રૂ.૬૫૦.૦૦ લાખનો કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાયનો પણ પ્રારંભ કરાયો. રૂ.૧૦૦૦.૦૦ લાખની સહાય રાજ્યમાં મધમાખીનો ઉછેર કરતા મધમાખીના FPO, FPC, ‘A’ ગ્રેડની સહકારી સંસ્થાના સભાસદોને આર્થિક સહાય પ્રારંભ કરાયો છે. કચ્છના ભુજ તાલુકાના કુકમા ખાતે પ્રાઈમરી પ્રોસેસીંગ સેન્ટરનું ખાતમૂહુર્ત કરાયું છે. જ્યારે કમલમ, કેસર, ખારેક અને દાડમ તેમજ વિવિધ બાગાયતી પાકો દ્વારા કચ્છની કીર્તી વધી છે ત્યારે ખેડૂતોને સમૃધ્ધ કરવાના આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇના સપનાને સાકાર કરવા સંકળાયેલા સૌ સાચા લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓના લાભ મળે તેવા પ્રયત્નો કરીએ. અધ્યક્ષાશ્રીએ આ પ્રસંગે ખાસ અનુરોધ કર્યો હતો કે, બાગાયતી ખેતીમાં સહયોગથી સિધ્ધિ મેળવવા નાના ખેડૂતોને પણ નિષ્ણાંત અને મોટા ખેડૂતોની વાડીએ પણ શિબિર ગોઠવી પ્રત્યક્ષ તાલીમ અપાય. ખેડૂતો, મહિલાઓ, યુવાઓ સૌ આત્મનિર્ભર બનશે ત્યારે ભારત આત્મનિર્ભર બનશે. આ તકે અધ્યક્ષાશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તાજેતરમાં કચ્છમાં અપાયેલા વિવિધ પ્રકલ્પો પૈકી સ્મૃતિવન અને કચ્છ શાખા નહેર બાબતે વિગતે માહિતી રજુ કરી ભૂતકાળની ભૂકંપ અને નર્મદા પ્રયાણના ભગીરથ પ્રયાસો અંગે વિસ્તૃત રજુઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ પ્રસંગે અછતગ્રસ્ત કચ્છમાંથી વિકસિત કચ્છના પ્રવાસને રજુ કરતાં વરસાદની મેહર રહેતા કચ્છમાં વડાપ્રધાનથી લઇ અદના કર્મયોગી સૌના સંયુકત પ્રયાસોથી મળેલા નર્મદાના પાણીના પગલે કૃષિક્રાંતિથી સમૃધ્ધ થવા જણાવ્યું હતું તેમજ ઓર્ગેનિક ખેતી કરવા અને તેનો લાભ લેવા અનુરોધ કરી તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક બમણી કરવા જે યોજનાઓનો લાભ સરકાર આપી રહી છે તેનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી અપનાવી સ્વસ્થ સ્વાસ્થ્ય મેળવીએ. પૂર્વ રાજયમંત્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, જળસંચયના જન અભિયાનથી સરકારે ૫૪ તાલુકા જળ સંકટના ડાર્ક ઝોનમાંથી મુકત કર્યા છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ હેઠળ મુખ્યમંત્રીથી લઇ તલાટી ખેતરોના શેઢે પહોંચ્યા અને વડાપ્રધાનથી લઇ ખેડૂતોના ૨૫ વર્ષના પ્રયાસોના પગલે રાજયની નોંધપાત્ર કૃષિ આવક થઇ છે. જગતના તાત માટે સરકાર કટિબધ્ધ છે અને આ ધ્યેયથી જ નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચ્યા છે. નાયબ બાગાયત નિયામકશ્રી એમ.એસ.પરસાણિયાએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની માહિતી પુરી પાડતા જણાવ્યું હતુ કે,મધમાખી ઉછેર થકી ખેડૂતો ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે અપનાવી વધારાની આવક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા મધમાખી મિશન કાર્યક્રમ હેઠળ ચાલુ વર્ષે મધમાખીના ઉછેર, પ્રોસેસીંગ, પેકેજીંગ, કોલ્ડ રૂમ એકમ, બી ક્લિનિક જેવા વિવિધ ઘટકો માં કુલ રૂ. ૧૦૦૦ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે .રાજ્યમાં કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)નું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ રૂ.૩,૦૦,૦૦૦ તથા અનુ.જન.જાતિ અને અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ રૂ ૪,૫૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં બાગાયતી ખેતીમાં વધુ ઉત્પાદન તથા ઉચ્ચ ગુણવત્તા મળી રહે અને રાજ્યના ખેડૂતો એકસાથે મોટા વિસ્તારમાં આધુનીક બાગાયતી ખેતી કરતા થાય તે માટે બહુવર્ષાયુ ફળઝાડ વાવેતરમાં સહાય, પિયતના વિવિધ સાધનોમાં સહાય, બાગાયતી યાંત્રીકરણમાં સહાય એમ વિવિધ ઘટકોમાં વ્યક્તિગત ખેડૂત,FPO,FPC,રજીસ્ટર્ડ ટ્રસ્ટને મહત્તમ રૂ. ૫૦.૦૦ લાખ સુધીની સહાય આપવામાં આવનાર છે.તેમણે આઇ.પોર્ટલ ખેડૂતમાં અરજી કરી વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમજ જરૂર પડે કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ તકે બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ માટે ખારેક સંશોધન કેન્દ્ર, મુન્દ્રાના સંશોધન વૈજ્ઞાનિકશ્રી દેવશીભાઇ આહિરે બાગાયતી વિશેષ ખારેક પાક વિશે વૈજ્ઞાનિક પધ્ધતિની માહિતી પુરી પાડી હતી તેમજ અંજાર તાલુકાના ખેડોઇ ગામના કેરી ખારેકના સફળ ખેડૂત વિક્રમસિંહ જાડેજાએ પોતાની ખેતીની સફળ વાર્તા રજુ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો, નાગરિકોએ જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ બાગાયત અધિકારીશ્રી એમ.એસ.પરસાણીયાએ કર્યુ હતું. આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.કે.ઓ.વાઘેલાએ કરી હતી. તેમજ આ તકે તેમણે ઉપસ્થિત ખેડૂતોને આઇ.ખેડૂત પોર્ટલમાં ખેડૂતોને બેંકખાતાનું ekyc કરાવી લેવાનો ખાસ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સર્વશ્રી ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠકકર, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશભાઇ પંડયા, બાગાયત અધિકારીશ્રી અને કર્મચારી સર્વશ્રી પી.કે. નાયર, કલ્પેશભાઈ પટેલ, કલ્પેશભાઈ મહેશ્વરી, રાહુલ પ્રજાપતિ ,ઉપેન્દ્ર જોશી આર.ડી.પ્રજાપતિ, પવનજી નાગર, આનંદભાઇ પંડયા, કેતનભાઇ સીકવાલ, મોનિકાબેન પાટીદાર, શાંતિલાલ પટેલ સહિતના જિલ્લાના ખેડુત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહયા હતા.