સામખિયાળીમાં ટ્રક ચાલક ટાયર , ડિઝલ અને રોકડ સાથે ફરાર

સામખિયાળી માળિયા હાઇવે પર આવેલી ટ્રાન્સપોર્ટ કંપનીનો ટ્રક ચાલક 362 લીટર ડિઝલ, નવા ટાયરનો જોટો અને રૂ.5,000 એડવાન્સ લઇ રૂ.73 હજારની ચોરી કરી ગાયબ થયો હોવાની ફરિયાદ કંપનીના મેનેજરે સામખિયાળી પોલીસ મથકમાં નોંધાવી હતી. મુળ બાડમેરના હાલે સામખિયાળી રહેતા અને માળિયા પાસેની અંજની રોડલાઇન્સમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હરદાન કવદાન ગઢવીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ ઘટના બપોરે 1 વાગ્યાથી બીજા દિવસના સવારે 9 વાગ્યાના અરસામાં બની હતી.
તેઓ સવારે ટ્રાન્સપોર્ટ ઓફિસે ગયા ત્યારે તેમની કંપનીનું ટ્રેઇલર જે અમૃતસરનો નિશાનસિંગ સતનામસિંગ ચલાવે છે તે ઓફિસ સામે ઉભુ઼ હતું. કેશિયર દિલિપસિંહ સોઢાને પુછતાં આ ટ્રેઇલરનો ચાલક રૂ.5000 એડવાન્સ તેમજ 362 લીટર ડિઝલની પાવતી લઇ ગયો હોવાનું જણાવતાં તેમણે ડિઝલ ટેન્ક ચેક કરી તો તે ખાલી હતી અને ટ્રોલીનો ડ્રાઇવર સાઇડના ટાયરનો જોટો જુનો લાગતાં તપાસ કરતાં જાણ થઈ કે ટ્રેઇલર ચાલક નિશાનસિંગ રૂ.33,465 ની કિંમતનું 362 લીટર ડિઝલ, રૂ.35,000 ની કિંમતનો ટાયરનો જોટો અને એડવાન્સ પેટે લીધેલા રૂ.5,000 એમ મળી કુલ રુ.73,456 ની ચોરી કરી ટ્રક મુકી ભાગી ગયો છે. આ મામલે તેમણે નીશાનસિંગ સતનામસિંગ વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.