કંડલાના દરિયામાં બાર્જમાંથી પગ લપસી જતાં ખલાસી ગરકાવ


કંડલા પોર્ટમાં કોલસો ભરવા આવેલું બાર્જ પરત જતું હતું ત્યારે 13 નોટિકલ માઇલ દૂર બાર્જના સી-મેનનો પગ લપસી જતાં તે દરિયામાં ગરકાવ થયો હતો, કોસ્ટ ગાર્ડ, મરિન પોલીસ, પોર્ટનસ ટગો દ્વારા ગહન શોધખોળ કરવામાં આવી હતી પરંતુ દરીયાના પાણીના કરંટમાં ગરકાવ થયેલા મુળ બીહારના યુવકનો ક્યાંય પત્તો મળ્યો હતો નહિ. કંપનીના સુપરવાઇઝરે કંડલા મરિન પોલીસ મથકમાં હાલ ગુમનોંધ લખાવી છે.
કંડલા મરિન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, આ બનાવ કંડલાના દરિયામાં 13 નોટિકલ માઇલ દૂર ઓટીબી દરિયામાં બોયા નંબર 1 પાસે બપોરે 1 વાગ્યા દરમિયાન બન્યો હતો જેમાં રિશિ શિપિંગના બાર્જમાંથી જીએમબી/એનએલકે/90 રજિસ્ટર નંબરના એમવી પ્રકાશ બાર્જમાં કોલસો ભરી કંડલાથી નિકળેલા બાર્જમાં સિ-મેન તરીકે કામ કરતા મુળ બિહાર મુઝફફરનગરના 22 વર્ષીય મહોમ્મદ રૂસ્તમઅલી મહોમ્મદ સાહિદુલનો પગ લપસતાં તે દરિયામાં ગરકાવ થઈ ગયો હતો.
બનાવ સમયે જ બાર્જ રોકી બોયા નાખી શોધખોળ કરવાનો પ્રયાસ કરાયા બાદ કંડલા ટાવરમાં જાણ કરતાં જ કોસ્ટ ગાર્ડ, મરીન પોલીસ, પોર્ટના ટગ દ્વારા દરીયાના પાણીમાં ગરકાવ થયેલા સી-મેનની ગહન શોધખોળ કરવામાં આવી હતી. મોડે સુધી તેનો કોઇ પત્તો મળ્યો હતો નહિ. દરિયાના પાણીનો કરંટ વધુ હોવાને લીધે ખેંચાઇ ગયો હોવાનું જાણકાર સૂત્રોએ કહ્યું હતું. કંપનીના મોરબી રહેતા સુપરવાઇઝર ધર્મેન્દ્રસિંહ બલવીરસિંહ રાઠોડે કંડલા મરિન પોલીસ મથકમાં ગુમનોંધ લખાવી છે.