નખત્રાણા તાલુકાના ગેચડાની સીમમાં જમીન બાબતે તલ ગામના શખ્સો વચ્ચે ધિંગાણું : 8 લોકો ઘવાયા


નખત્રાણા તાલુકાના ગેચડા ગામની સીમમાં આવેલી જમીન બાબતે બપોરે તલ ગામના ઇસમો વચ્ચે કુહાડી લાકડી સાથે ધિંગાણું સર્જાયું જેમાં અરસપર વાર કરાતાં 8 લોકો લોહિલૂહાણ થયા. જ્યારે બંને પક્ષે ફરિયાદ કરતાં નિરોણા પોલીસે 13 ઇસમો વિરુદ્ધ રાયોટીંગ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી.
નિરોણા પોલીસ મથકે નમરા જખરા જત (ઉ.વ.36)એ તલ ગામના ફારૂક જાનમ જત, આરીફ અશરફ જત, અબ્દુલ કરીમ બાબીયા, નુરમામદ હાજી અગન જત, અલ્લાબક્ષ નુરમામદ જત, અબ્દુલ કલામ નુરમામદ જત, ઇબ્રાહિમ હાજી સુમારખાન જત વિરુદ્ધ ફરિયાદ દર્જ કરાવી છે. આરોપીઓએ ફરિયાદી તેમના સસરા સમા નવાઝના ગેચડા ગામના પાટીયાની સામે આવેલી જમીન પર હાજર હતા.
ત્યારે આરોપીઓએ ભેંસો ચારવામાં તકલીફ પડતી હોવાનું કહી જમીન ખેતર ખાલી કરી દેવાનું કહી ઝઘડો કરીને ફરિયાદી તેમજ ભાઇ મજીદ રમજાન જત, હાસમ ધોધા જત, ફરિયાદીના સાળા આયાસ સમા સહિતનાઓ કુહાડી અને લાકડીથી માર મારી ઇજા પહોંચાડી. તો, પ્રતિ ફરિયાદમાં તલ ગામના નુરમામદ હાજી અગન જતએ સમા નવાજ જત, નમરા જખરા જત, મજીદ રમજાન જત, કાસમ રમજાન જત, મિયાવસાયા જત, અબાસ ઇશાક જત વિરુદ્ધ ગુનો દર્જ કરાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી પર જમીન અંગે વીડિયો વાયરલ કરવાનું મનદુ:ખ રાખીને ફરિયાદી તેમજ અલ્લાબક્ષ નુરમામદ જત, ઇબ્રાહિમ હાજી સુમારખાન જત, અબ્દુલકલામ નુરમામદ જતને લાકડીઓથી માર મારીને ઇજા પહોંચાડી.