ભુજ નગરપાલિકામાં આખો દિવસ ફરિયાદો સાથે 5-7ના ટોળા આવતા રહ્યા
 
                
ભુજ નગરપાલિકામાં સોમવારે પાણી, સફાઈ અને ગટર શાખાના વાંકે આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી રાવો સાથે પાંચ સાતના ટોળા આવતા રહ્યા હતા. જોકે, મોટાભાગના વિસ્તારોમાં બિલ્ડરોના વાંકથી પાણી અને ગટરની સમસ્યા સર્જાય છે અને છેવટે નગરપાલિકા ઉપર દબાણ આવી ગયું છે. જોકે, નગરપાલિકા કઈ ગ્રાન્ટ તળે કોની સમસ્યા ક્યારે ઉકેલી શકાય એની ગણતરી માંડી આગળ વધી રહી છે. પરંતુ, લોકોમાં ધીરજ ખૂટી છે.
ભુજ શહેરમાં ભૂકંપ પછી ચારેય દિશામાં નીતનવી વસાહતો સ્થપાઈ છે. પરંતુ, મોટાભાગની વસાહતોમાં બિલ્ડર લોબીએ પાણી અને ગટરની વ્યવસ્થા સંતોષકારક રીતે નથી ગોઠવી, જેથી અંતે રહેવાસીઓ નગરપાલિકામાં અરજીઓનો મારો ચલાવે છે. પદાધિકારીઅઓ પણ કઈ ગ્રાન્ટ તળે કયા વિસ્તારને અગ્રતાક્રમે સમાવવા એની મથામણ કરતા રહે છે. જે લાંબી પ્રક્રિયા દરમિયાન લોકોની ધીરજ ખૂટતી જાય છે અને પાંચ સાતના ટોળામાં રજુઆત કરવા માટે ધસી આવે છે.
સોમવારે દિવસ આખો પાંચ સાતના ટોળા આવતા રહ્યા હતા અને એક જ સવાલ કરતા હતા કે નરેન્દ્ર મોદીના આગમન વેળાએ તેમના રૂટમાં તમામ કામો રાતોરાત થઈ ગયા હતા તો પ્રજાના કામોમાં આવડો વિલંબ કેમ થાય છે. બીજી બાજુ છેલ્લા દોઢેક વર્ષથી સફાઈ અને ગટરની સમસ્યા ઉકેલવા માટે સંભવ દરેક પ્રયત્નો થઈ રહ્યા છે.
 
                                         
                                        