બહેનનો ફોટો વોટ્સએપની DP માં રાખવા મુદ્દે યુવકો પર કુહાડી અને ધોકાથી હુમલો

ભુજની જુની રાવલવાડીમાં સોમવારે સાંજે બહેનનો ફોટો વોટ્સએપના DP માં મુકવા મુદ્દે કુહાડી ધોકાથી માર મારી અને ઘરમાં તોડફોડ કરાઇ હતી. જેમાં ત્રણ યુવાનોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્ને પક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 4 ઇસમો વિરૂધ ગુનો નોંધ્યો હતો. ભુજના ભીડ નાકા બહાર સરવા મંડપ મેલડી માતાના મંદિર પાસે રહેતા વેલજી પરસોતમ વાઘેલાએ જુની રાવલવાડીમાં રહેતા ઇશ્વર શીવજી પરમાર, અને કિશન શીવજી પરમાર વિરૂધ ફરિયાદ નોંધવી હતી.

આરોપીઓના ભાઇ સુનીલે વોટ્સએપની DPમાં ફોટો રાખ્યો છે. તે દુર કરવા બાબતે સમજાવવા તેમના ઘરે જતાં આરોપી ઇશ્વરે ઉસ્કેરાઇને ફરિયાદીને મોઢાના ભાગે કુહાડીનો ઘા મારી હોઠ ના ભાગે ગંભીર ઇજા કરીને દાંત તોડી નાખ્યા હતા. અને ફરિયાદીની રિક્ષામાં તોડફોડ કરી હતી.

ફરિયાદીને બચાવવા દિપક રવજી પરમાર વચ્ચે પડતાં આરોપીઓએ માર માર્યો હતો. તો પ્રતિ ફરિયાદમાં ઇશ્વર શીવજી પરમાર રહે. જુની રાવલવાડીએ આરોપી વેલજી પરસોતમ વાઘેલા અને દિપક રવજી પરમાર વિરૂધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ વોટ્સએપના DPમાં ફોટો રાખવાનું મનદુ:ખ રાખીને ફરિયાદીના ઘરે લોખંડનો પાઇપ અને ધોકા સાથે આવીને તોડ ફોડ કરીને ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડી હતી. એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ પરથી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.