રામવાવના પેટ્રોલપમ્પમાંથી રૂ. 78 હજાર રોકડની ચોરી

રાપર તાલુકાના રામવાવમાં આવેલા પેટ્રોલપંપ પર યોજના કરી ચોરી  કરવાનો બનાવ સામે આવ્યો હતો. તસ્કરોએ પ્રથમ પંપના પાછળ આવેલા ઇલેક્ટ્રિક રૂમમાંથી લાઇટો બંધ કરી CCTVના કેબલો અલગ કર્યા હતા. જે બાદ પેટ્રોલ-ડીઝલ વેચાણ સહિતના કુલ રૂ. 78 હજારની તસ્કરીને અંજામ આપ્યો હતો. ઘટના વિશે રાપર પોલીસ મથકેથી રામવાવમાં આવેલા જય માતાજી પેટ્રોલપંપના મેનેજર નવલસિંહ સોઢાની ફરિયાદને નજરે રાખી મળતી માહિતી અનુસાર તેમના પેટ્રોલપંપ પર રાત્રે પોણા નવ વાગ્યે જયારે ફીલર તરીકે ફરજ બજાવતો અલ્તાફ હાજર હતો ત્યારે કોઈ અજાણ્યા સખ્શોએ પંપના પાછળથી લાઈટનો ઘોડો બંધ કરી દીધો હતો.

જેથી અંધારામાં માણસોને આવતા જોઈ અલ્તાફ ત્યાંથી પંપ મુકીને ભાગી  ગયો હતો. જે વેળાએ તેને પ્રભુભાઈને ફોન કરતા તે આવ્યા અને લાઈટ ચાલુ કરી તપાસ કરતા પંપની ઓફીસના ટેબલમાં રાખેલા પેટ્રોલ-ડીઝલ વેચાણના રોકડા રૂ. 58 હજાર અને સિલકના રોકડા રૂ. 20 હજાર એમ મળી કુલ રૂ. 78 હજારની ચોરી કરાઇ હતી.ત્યારબાદ પાછળના ઇલેક્ટ્રિક રૂમની તપાસ કરતા CCTV કેમેરાના કેબલો ખુલ્લા પડેલા નજરે પડ્યા હતા. જે વિશે રાપર પોલીસ થાણે ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી.