લાલન કોલેજમાં ફરિયાદો સંદર્ભે ઉચ્ચ શિક્ષણ નિયામકની ટીમ ધસી આવી; પ્રિન્સિપાલે કર્યો ઢાંકપીછોડાનો પ્રયાસ


ભુજની લાલન કોલેજમાં ગેરરીતિ સંદર્ભે થયેલી ફરિયાદો અંગે ગાંધીનગર શિક્ષણ નિયામકની ટીમ દ્વારા બે દિવસની તપાસ કરવામાં આવતા આ સંકુલમાં સોંપો પડી ગયો હતો. જોકે જેની સામે આક્ષેપો થયા હતા તે પ્રિન્સિપાલે સમગ્ર પ્રકરણને છુપાવવાનો પ્રયાસ કર્યો હોય તે રીતે ઉડાઉ જવાબ આપ્યો હતો. ઉચ્ચ્ચ શિક્ષણ નિયામકની ટીમ દ્વારા કરવામાં આવેલી બે દિવસીય કાર્યવાહીમાં જરૂરી સ્ટાફની પૂછપરછ કરવા સાથે નિવેદનો મેળવી ફાઇલો ચકાસવામાં આવી હતી.
આ મુદ્દો સમગ્ર કોલેજમાં ચર્ચાનો કેન્દ્ર રહ્યો હતો. જોકે વાત ફેલાય નહીં તે માટે ઢાંકવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, લાલન કોલેજમા આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ ટેનિસ કોર્ટ અને જિમ ખાનગી વ્યક્તિઓને સંચાલન માટે સોંપવામાં આવ્યા છે. આક્ષેપ એવો છે કે, આ તમામ મિલકતો કોલેજની હોવ છતાં કોઈ પણ ટેન્ડર વગર ખાનગી વ્યક્તિને સોંપી દેવાઈ છે. તેમજ સિક્યુરિટી કોન્ટ્રાકટના નામે વધારે રકમના બીલો બનાવીને આર્થિક વ્યવહારમાં ગરબડ કરવામાં આવી હોવા તેવું પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.
નાણાકીય ગેરરીતિ અને સરકારી ગાઈડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હોઇ ઉચ્ચસ્તરે આધાર પુરાવા સાથે તેમજ ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેથી ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવતા ગુરુવારે કચેરીના કર્મચારીઓ આવ્યા હતા. ક્લાર્ક સહિતના કર્મીઓએ કોલેજમાં હિસાબો અને અન્ય પૂરક માહિતી મેળવી તપાસ કરી હતી. જે બાદ બીજા દિવસે પણ કાર્યવાહી જારી રહેતા અધિકારી વર્ગ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ મંજૂરી કેવી રીતે લેવાઇ ? તે સહિતના મુદ્દે ફાઈલો ચકાસવામાં આવી હોવાની માહિતી સૂત્રોમાંથી જાણવા મળી. બે દિવસની તપાસ બાદ ટીમ ચાલી ગઇ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અલબત્ત સત્યતા ચકાસવા માટે પ્રિન્સિપાલ છત્રપાલસિંહ ઝાલાનો સંપર્ક કરતા તેમણે ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીએથી ટીમ આવી હોવાનું જણાવી જે ફાઇલ માંગવામાં આવી તે અપાઇ હોવાનું કહ્યું હતું.બાકીની બાબતો ગોપનીય જણાવી ઢાંકપીછોડાના પ્રયાસ કર્યા હતા.
ઉચ્ચ શિક્ષણ નિયામકની કચેરીએથી સરકારી લાલન કોલેજમાં ટીમ આવે તો યુનિવર્સિટીને જાણ હોવી જોઈએ તે વાત સ્વાભાવિક છે. જોકે આ બાબતે કુલપતિ જયરાજસિંહ જાડેજાને પૂછતા તેમણે જણાવ્યુ કે મને કંઈ ખબર નથી તેમ કહીને અજાણતા દર્શાવી હતી