રોજના 100 જ બીલ પ્રિન્ટ કરવા સક્ષમ મશીનરીથી કામ કેમ પતશે?

તમામ નગરપાલિકાઓને ઈ નગરની નવીન સોફ્ટવેર વ્યવસ્થા લાગુ કરવા પાછળનો ઉદેશ્ય તેના લાગુ કર્યા બાદના અનુભવથી ઘણો અલગ હોય તેવું લાગી રહ્યું છે. ડીઝીટલ ભારત કરવાના લક્ષ્ય સાથે ઈ નગર સોફ્ટવેર એટલા માટે લાગુ કરાયું હતું કે દરેક વ્યક્તિ પોતાની રીતે ઓનલાઈન ટૅક્સ તો ભરીજ શકે, સાથે નગરપાલિકા પણ સરળતા પુર્વક બીલ સબંધિત તમામ મેનેજમેંટને પાર પાડી શકે. પરંતુ છેલ્લા આટલા મહિનાનો અનુભવથી એવો સામે આવી રહ્યો છે કે દર બે કે ત્રણ દિવસમાં સોફ્ટવેરનું સર્વર બંધ થઈ જાય છે.

આંતરીક સુત્રોએ કહ્યું કે હાલમાં નગરપાલિકા વેરા વસુલાત પાછળ પડી છે તો તેના બીલ કાઢવાની વ્યવસ્થા પણ એટલી જટીલ અને લાંબી છે કે જો 100 બીલ પ્રીન્ટ કરવા હોય તો તે માટે એક દિવસ અગાઉ જ ઓર્ડર આપવો પડે છે. ત્યારબાદ તેની PDF તૈયાર થાય છે અને બીલ કાઢી શકાય છે. જો માત્ર 100 જેટલા બીલથી જ રોજ ગાડુ ગબડાવવાનું હોય ત્યારે હજારો બીલોને કઈ રીતે ટુંકા ગાળામાં મેનેજ કરી શકાશે તે પ્રશ્ન છે. અધુરામા પુરુ આ અંગે ફરિયાદો ઉચ્ચસ્તરે કરાયા છતાં કોઇ પ્રત્યુતર પાઠવવામાં ન આવી રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.