કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો આજકાલમાં જાહેર કરવામાં આવશે

કચ્છ જિલ્લામાંથી વિધાન- સભાની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક દાવેદારોએ રવિવારે અને સોમવારે પોતાની સંપૂર્ણ માહિતી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પહોંચતી કરવા સૂચના આપવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરે એવી શક્યતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે અચાનક જાહેર થાય એવી સંભાવના છે. જેના અનુસંધાને આમ આદમી પાર્ટીએ હજુ સુધી ત્રણ તબક્કામાં 29 ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાંથી એક ઉમેદવાર કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભાની બેઠકના જાહેર થયા છે. બીજી બાજુ હવે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો પાસેથી સોમવાર સુધી પોતાનો દાવો રજૂ કરવા સૂચના આપી છે, જેથી પક્ષમાં ચૂંટણીનો માહોલ ઊભો થયો છે.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આગામી કચ્છ જિલ્લાની વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હોય તેવા તમામ આગેવાનોને જણાવાયું હતું કે, રૂબરૂમાં આવી રજૂ કરવા જિલ્લા સમિતિ દ્વારા ખાસ જાણ કરાઈ છે. જિલ્લા પ્રવક્તા દીપક ડાંગર જણાવ્યું હતું કે, સમયમર્યાદામાં બાયોડેટા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો છે. વિધાસભાની સામાન્ય ચૂંટણીને લઇને તંત્ર તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ વિવિધ રાજકીય પક્ષોએ પણ અત્યારથી જ કાવાદાવા શરૂ કર્યા છે.