કોટડા (જ) પાસે ટ્રકને ઓવરટેક કરવા જતી બોલેરો પલટતા એકનું મોત, 4 ઇજાગ્રસ્ત


નખત્રાણા તાલુકાના કોટડા જડોદર પાસે ટ્રકને ઓવરટેક કરવા જતી બોલેરો પલટી ગઈ હતી.જે બનાવમાં ગાડીમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તો 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નખત્રાણા પોલીસમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ,ભુજ તાલુકાના માધાપરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અજીતકુમાર ઉમાશંકર ગૌતમે ફરિયાદ નોધાવતા જણાવ્યું કે,તેઓ દાડમ પેકિંગનું કામ કરે છે અને શેઠના કહેવાથી મુન્દ્રા તાલુકાના દેશલપર કંઠી ગામે દાડમનું પેકિંગ કરવા ગયા હતા અને ત્યાંથી ઘડુલી જવાનું હોવાથી ગાડી ભાડે કરી હતી.
બોલેરો પીકપ ગાડી નંબર GJ 12 BV 5243 માં તેઓ દેશલપર કંઠીથી દાડમનું પેકિંગનું મટીરીયલ ભરી ઘડુલી જવા માટે નીકળ્યા ત્યારે ગાડીમાં ફરિયાદીની સાથે ઠાઠાના ભાગે સુનિલકુમાર તેમજ ઓમપ્રકાશ છોટેલાલ, જીતેન્દ્ર બીકાજે, ઉમાકાન્ત મોહન, અરવિંદ રામલોટના અને ચંદન દશરથ સોનકર બેઠા હતા.
ગાડી કોટડાટીથી થોડી દુર પહોંચી ત્યારે તળાવ પાસે બોલેરોના ચાલકે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવામાં કાબુ ગુમાવી દેતા ગાડી રોંગસાઈડમાં રોડ નીચે ઉતરી જવાથી વાહન પલટી જતા તમામને ઇજાઓ પહોચી હતી. જોકે સુનિલકુમાર તળાવની દીવાલની કિનારી પર પડતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી સારવાર નસીબ થાય તે પૂર્વે જ મૃત્યુ નીપજયું હતું. અકસ્માત સર્જ્યા બાદ ચાલક ભાગી ગયો હોવાથી તેની સામે ફોજદારી ફરિયાદ દર્જ કરવામાં આવી છે ઉત્તર પ્રદેશથી મજૂરી માટે આવ્યો હતો પણ દુર્ઘટનામાં યુવકનું મૃત્યુ થઈ જતા પરિવાર આઘાત પહોચ્યો હતો. જિલ્લામાં બેફામ ગતિએ દોડતા વાહનો પર પોલસ દ્વારા લગામ કસવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા ઉઠી રહી છે.