ઇનોવાએે 3 બાઇકને લીધી અડફેટે, 1 યુવકનું મોત


કંડલા થી ગાંધીધામ જતા સર્વિસ રોડ પર પીએસએલ ઝૂંપડા સામેના સર્વિસ રોડ પર પૂરપાટે જઇ રહેલા ઇનોવા કારના ચાલકે એક બાઇકને ટક્કર મારતા બેકાબૂ બની વધુ બે બાઇક અડફેટે લીધી જેમાં એક રેલ્વે કર્મી યુવકનું ગંભીર ઇજાને લીધે મૃત્યુ નિપજ્યું હતું, તો ચાર યુવક ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકને અતિ ગંભીર ઇજા થઈ હોવાથી સ્થાનિકે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયો હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ.
કાર્ગો ઝૂંપડા યાદવનગરમાં રહેતા રિક્ષા ચાલક જીગરભાઇ શંકરભાઇ ભરવાડે દાખલ કરેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ બનાવ રાત્રે બન્યો હતો જેમાં તેઓ પોતાના મિત્ર સોમાભાઇ માલુભાઇ ભરવાડ સાથે રિક્ષા લઇ પીએસએલ કાર્ગો ઝુંપડા જવાના સર્વિસ રોડ પર ચા પીવા માટે ગયા ત્યારે કંડલા તરફથી પૂર ઝડપે આવેલા ઇનોવા ચાલકે એક બાઇકને ટક્કર માર્યા પછી બેકાબુ બની અન્ય બે બાઇકને પણ અડફેટે લઈ લીધી હતી.
આ ઘટના દરમિયાન ભીડ એકઠી થતાં ઇનોવા ચાલક કાર મુકી ભાગી ગયો હતો તેમણે સ્થળ પર જોયું તો તેમના સંબંધી મુકેશભાઇ વરચંદભાઇ ભરવાડને માથામાં, કમરમાં તેમજ બન્ને હાથમા઼ ગંભીર ઇજાઓ થઈ હતી તો અન્ય બાઇકના ચાલક રેલ્વે કોલોનીમાં રહેતા 29 વર્ષીય મુળ ઓરિસ્સાના જગન્નાથ ગુરૂબરી સામતરાયને અતિ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર નસીબ થાય તે પૂર્વે દમ તોડ્યો હતો જ્યારે મુકેશ પ્રમોદરાય કુર્મી, સુભાષ ગજાનન ચૌધરી અને સમીનકુમાર મુમલસિંગ કુર્મીને પણ ઇજાઓ થઈ હતી.
ફરિયાદીના સબંધી મુકેશભાઇને પ્રથમ આદિપુર સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આ ઘટના અંગે પીઆઇ એમ.એન દવે હજી અકસ્માત સર્જનાર ઇનોવા ચાલક પકડાયો ન હોવાનું અને તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.