તપાસ માટે ગયેલ ભુજની મહિલા કોન્સ્ટેબલને ધોલ ધપાટ કરી, ઉપરાંત અન્ય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાવવાની આપી ધમકી


શહેરના ભાનુશાલીનગરમાં આવેલા સપના એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી એક મહિલાની વર્તણુક શંકાસ્પદ હોવાની અરજી સ્થાનીકો દ્વારા કરાઈ હતી.જેની તપાસ માટે ગયેલ ટીમના મહિલા કોન્સ્ટેબલ સાથે આ સ્ત્રીએ ધોલ-ધપાટ કરી હતી અને એસઓજીના અન્ય પોલીસ કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દઈશ એવી ધમકીઓ આપતા ભારે ચકચાર મચી હતી.આ ઘટના સંદર્ભે સર્વગ્રાહી તપાસ શરૂ કરાઈ છે.
અહીં રહેતી પરપ્રાંતીય સ્ત્રીના બંને પગ બરાબર હોવા છતાં તે ઘોડીથી ચાલે છે તેની વર્તણુક શંકાસ્પદ હોવાની વિગત સાથે ભુજ એસઓજીમાં અરજી કરાઇ હતી.જે અરજી અનુસંધાને સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વ્રારા તપાસ શરૂ કરાઈ હતી. આ મહિલાને પૂછપરછ માટે એસઓજી કચેરી બોલાવવામાં આવી હતી પણ તે આવી ન હતી. આ દરમિયાન મહિલા વીડી હાઈસ્કુલ પાસે હોવાથી તેને એસઓજી કચેરીએ આવવા જણાવાયું પણ તે આવી નહિ અને મકાનમાલિક સાથે ઝગડો કર્યો હતો. આ દરમ્યાન એસઓજીની ટૂકડી જોડે ગેરવર્તાવ કરી જવાબ લખાવવા માટે આપેલી નોટીસમાં સહી કરવાની મનાઈ કરીને ભાગી છૂટવા પ્રયત્ન કર્યો હતો.
ત્યાર બાદમાં તેને જીપમાં બેસાડી કચેરીએ લઈ અવાઈ હતી પણ અહીં તપાસમાં સહકાર આપવાના બદલે ધમાલ મચાવી હતી. મહિલાએ પોતાનું નામ નબીના શ્રીઆમલેન્દુ નાગ , ઊંમર 50 વર્ષ અને પોતે અમદાવાદના થલતેજના વિનસ એપાર્ટમેન્ટમાં રહેતી હોવાનું જણાવ્યું. નબીનાની શંકાસ્પદ વર્તણૂંક જોઈને એસઓજીની ટીમ પીઆઇની હાજરીમાં ભાનુશાલીનગરના ઘરે જડતી લેવા માટે ગઈ ત્યારે મકાનને બે તાળા મારેલા હતા. નબીનાએ તાળા ખોલવાની મનાઈ કરી ફરી જબરજસ્તી કરી હતી. પોલીસ કર્મચારીઓએ તેના ગેરવર્તનનું મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું.
ભારે માથાકૂટ પછી માંડ માંડ તાળા ખોલાવી મકાનમાંથી લેપટોપ, મોબાઈલ ફોન, ડાયરી અને કેટલાંક દસ્તાવેજો મળી આવ્યા જે એસઓજી દ્વારા તપાસ માટે કબ્જે કરાયા છે. આ દરમ્યાન એ ડીવીઝનના મહિલા પોલીસ કોન્સ્ટેબલ સ્મિતા ગાલોરીયાએ તેની પૂછપરછ કરતાં ઉશ્કેરાઈ જઈ ધોલ ધપાટ કરી અને હાજર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હિન્દી અને અંગ્રેજીમાં ગાળો પણ આપી હતી.જેથી બી ડીવીઝનમાં સરકારી ફરજમાં રૂકાવટ,ધોલ-ધપાટ,નોકરીમાંથી કાઢી મૂકાવવાની અને મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ મહિલા અહીં બે અઢી મહિનાથી રહે છે અને મૂળ અમદાવાદની વતની હોવાનું કહે છે પરંતુ તેના ઘરેથી ભુજના સરનામાનું આધારકાર્ડ મળી આવતા જે બાબતને શંકાસ્પદ ગણી તેના ભારતીય નાગરિકત્વની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનામાં આરોપીની અટક કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવામાં આવતા જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેથી તેને પાલારા જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.