શેખપીરથી પસાર થતી ઓવરલોડ ગાડીઓ દીઠ ઉઘરાણીનો આરોપ

શેખપીર ચેકપોસ્ટ પાસેથી પસાર થતી ઓવરલોડ ગાડીઓ દીઠ ઉઘરાણી કરાતી હોવાના આરોપ કરવામાં આવ્યા છે. છેલ્લા દસેક દિવસથી કચેરીના એક ઇન્સ્પેક્ટર દ્વારા વાહનોના સંચાલક પાસેથી આ રકમ લેવામાં આવતી હોવાની વાત સામે આવી રહી છે જે વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર સમાન બની છે. આ વિશે જાણવા મળતી વિગતો અનુસાર ,દિવસના સમયે ચેકિંગ કરવામાં આવે છે અને રાતના ભાગે અહીંથી મીઠા સહિતની ઓવરલોડ ગાડીઓ પસાર થાય ત્યારે કાર્યવાહી ન કરવા પેટે વ્યવહારની રકમ લેવામાં આવતી હોવાના આરોપ  ઉઠવા પામી રહ્યા છે. ઇન્સ્પેક્ટરના ઈશારાથી તેના ડ્રાઇવર વળે આ રકમ મેળવવામાં આવે છે.

પ્રત્યેક ગાડીદીઠ રૂ.1500 લેવાતા હોવાની વાત ચર્ચામાં છે. નિયમ અનુસાર દર અઠવાડિયે ઇન્સ્પેક્ટરની ડ્યુટી બદલાઈ જાય પણ આ ઇન્સ્પેક્ટર દ્વારા ‘સેટિંગ’ કરીને રાતના સમયે વ્યવહારની રકમ લઈ સંબંધીતોને સાચવી લેવાતા હોવાનું ચર્ચામાં છે. ગંભીર આરોપ અંગે ભુજ આરટીઓના પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી સી.ડી.પટેલને વાકેફ કરતા તેઓએ જણાવ્યું કે, સપ્તાહ પૂર્વે તેમની પાસે પણ આવી વાત આવી હતી.

જેથી શેખપીર મધ્યે ચેકિંગ વધારી દેવાયુ છે. વિતેલા સપ્તાહમાં 250 જેટલા ઓવરલોડ વાહનો રોકી મેમો આપવામાં આવ્યો છે ઉપરાંત શનિ-રવિવારે ક્રોસ ટીમો મોકલીને તપાસ કરવામાં આવી. જોકે,હજી સુધી કોઇ તથ્ય સામે નથી આવ્યા પરંતુ આક્ષેપોના મૂળ સુધી પહોંચવાની કાર્યવાહી જારી છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.