અંજારમાં બે દરોડામાં ૧૮ હજારનો શરાબ ઝડપાયો.

ગાંધીધામ ,તા ૧૬ : અંજારના રેલ્વે મથક સામેથી એલ.સી.બી.એ રૂ. ૧૬,૦૮૦ ના દારૂ સાથે એક શખ્સની ધરપકડ કર્યા બાદ સ્થાનિક પોલીસે પણ રૂ. ૨૧૦૦ નો દારૂ કબ્જે કરીને સંતોષ માન્યો હતો. અંજાર વોર્ડ-૯ ,મોઢ ફળીયામાં રહેતા જિગ્નેશ રમણીકલાલ પલણ નામના શખ્સને એલ.સી.બી.એ દબોચી લીધો હતો. અગાઉ ટ્રેન મારફતે અહી શરાબ લઈ આવનાર આ ઇસમ પાસે રહેલા કપડાં રાખવાના થેલાની તપાસી લેવાતા તેમાથી શરાબની બોટલો હાથ લાગી હતી પોલીસે તેની પાસેથી રૂ. ૧૬,૦૮૦ નો ૨૯ બોટલો દારૂ હસ્તગત કર્યો હતો. દરમ્યાન સ્થાનિક પોલીસે અંજાર ગળપાદર ધોરી માર્ગ ઉપર જીનસ કંપની સામેથી ભાવેશ ધીરજલાલ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. એક્ટિવા ચલાવનાર એવા આ શખ્સ પાસેથી ૬ બોટલ કિંમત રૂ. ૨૧૦૦ નો શરાબ કબ્જે કરાયો હતો. તેણે આ શરાબ રાપરના નરશી માલી પાસેથી મેળવ્યો હોવાનું સામે આવ્યો હતો.