ભુજ-માધાપર હાઇવે પર દ્વિચક્રી પર જતી મહિલાના ગળામાથી ચેઇન તોડી બે બાઇકસવાર નાશી છૂટ્યા.

ભુજમાં છેલ્લા થોડા સમયથી એક્ટિવ થયેલી અછોડાતોડ ગેંગે ભુજ -માધાપર હાઇવે પર દ્વિચક્રી પર જતી મહિલાએ પહેરેલી બે તોલાની સોનાની ચેઇન ની ચીલ ઝડપ કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. માધાપર નવાવાસમાં આવેલા પંકજનગરના રહેવાસી 42 વર્ષીય નીતાબેન ખૂબચંદાણી રવિવારે સવારે ભુજના ટ્યુશન ક્લાસમાથી તેમની પુત્રીને દ્વિચક્રી મેસ્ટ્રો પર બેસાડી પરત માધાપર જતાં હતા ત્યારે આ ઘટના બની હતી. સવારે પોણા ૧૧ વાગ્યા ના અરસામાં બાપા સીતારામની મઢૂલી આગળ ઓધવબાગ એક અને બે વચ્ચે આવેલા સ્પીડબ્રેકર નજીક તેમણે વાહન ધીમું કરતાં જ પાછળથી એક બાઇક પર ત્રાટકેલા બે અજાણ્યા શખ્સ ગળામાં પહેરેલી ૨૦ હજારની કિંમતની બે તોલા સોનાની ચેઇન તોડીને નાશી છૂટ્યા હતા. બંને યુવકો વીસથી પચ્ચીસ વર્ષની વયના ,પાતળા બાંધાના જણાતા હતા. અને તેમણે મોઢા પર બુકાની બાંધેલી જણાતી હતી. તેમની બાઇક સ્પોર્ટ્સ બાઇક જેવી હતી અને નંબર પ્લેટ ન હોતી. ઘટના બાદ તેમને હાઇ બીપીની જૂની તકલીફે ઊથલો મારતા ઘરે આરામ – સારવાર કર્યા બાદ તેમણે ભુજ બી ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોધાવી હતી ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડાક સમયમાં ભુજમાં ચેઇન સ્નેચીગના સાત-આઠ કિસ્સા બની ચૂક્યા છે. પરંતુ પોલીસ હજુ સુધી એકપણ શખ્સ ને પગેરું દબાવી શકી નથી.