પુરાસરવાંઢની વાડીમાંથી મશીનની તસ્કરી કરનારા ત્રણ ઈસમ પકડાયા

ભુજ તાલુકાના પુરાસરવાંઢની વાડીમાં કુવામાંથી 20 હજારની કિંમતના પાણી ખેંચવાના મશીનની તસ્કરી કરવાના કેસમાં બી ડિવિઝન પોલીસે ભુજના લખૂરાઇ ચાર રસ્તા પરથી ત્રણ આરોપીઓને મુદામાલ સહિત પકડી પાડી ગુનાનો ભેદ શોધી કાઢ્યો છે. બી ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે લખૂરાઇ ચાર રસ્તાની બાજુમાં આવેલા રમજાન વીરાના ભંગારના વાડામાં દરોડો પાડ્યો.
ભંગરના વાડામાંથી આધાર પુરાવા વગરનું પાણી ખેંચવાનું મશીન સાથે મુળ મણીવાંઢ ગામ રાપરના હાલ લખુરાઇ ચાર રસ્તા પર ખમીશાના ભઠ્ઠામાં રહેતા હબીબ આરબ સીદી (ઉ.વ.22) તથા ગુલામ આરબ સીદી (ઉ.વ.25) પકડી પાડી પુછપરછ કરતાં આરોપીઓએ રાત્રીના પુરાસરવાંઢની વાડીમાંથી મશીનની ચોરી કરી ભીડ નાકા બહાર ચાંદચોક મધ્યે રહેતા રમજાન સીદીક વીરા (ઉ.વ.30)ના વાડામાં રાખ્યું હોવાની કબુલાત કરતાં આરોપીઓની મુદામાલ સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે માધાપર પોલીસને સોંપી દેવાયા છે. આ કેસની તપાસ માધાપર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજાએ હાથ ધરી.