જિલ્લાના સાડા નવ હજાર કર્મચારીઓ પડતર પ્રશ્ન બાબતે શનિવારે મૂકશે માસ સીએલ

જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના બાકી ભથ્થા સહિતના રાજ્યના કર્મચારીઓના વિવિધ 15 જેટલા પડતર પ્રશ્નો મામલે રાજ્ય કક્ષાએથી ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લડતનો તબક્કા વાર પ્રોગ્રામ જાહેર કરાયા છે. જેના ભાગ રૂપે સમગ્ર રાજ્ય સહિત જિલ્લાના સાડા નવ હજાર કર્મીઓ શનિવારે માસ સી.એલ. મૂકશે, જેથી સરકારી શાળાઓ તેમજ કચેરીઓ પણ મોટા ભાગે બંધ રહેશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ગત 3સપ્ટેમ્બરના જિલ્લા કક્ષાએ રેલી સાથે કલેકટરને આવેદનપત્રો અપાયા હતા. ત્યારપછી રાજ્ય સરકારે બનાવેલી પાંચ મંત્રીઓની સમિતિ સાથે રાજ્ય સયુંકત મોરચા તેમજ કર્મચારી મહામંડળના આગેવાનોની બેઠક સતત ત્રણ દિવસ મળી પરંતુ, પડતર પ્રશ્નો વિશે કોઈ સંતોષકારક પરિણામ ન મળતાં ગત 11 સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજ્યના 7 ઝોન માં કર્મચારીઓએ વિશાળ રેલી સાથે સબંધિત કલેકટરોને આવેદનપત્રો આપ્યા પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા સયુંકત કર્મચારી મોરચા તેમજ મહામંડળ દ્વારા લડતના ત્રીજા તબક્કાના મંડાણ કરાયા છે.
કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છમાં અંદાજિત સાડા નવ હજાર જેટલા કર્મચારીઓ માસ સી.એલ.માં જોડાશે અને પોતાની કામગીરીનો બહિષ્કાર કરી લડતમાં જોડાશે. તેમ છતાં, ફિક્સ પગારદારો અને સહાયકો માત્ર કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે.
17-9, શનિવારના પ્રાથમિક શિક્ષકો 6500, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિકના 662 શિક્ષકો, આરોગ્યના 581, તલાટીઓ 340, જિલ્લા- તાલુકા પંચાયતના 150, વર્ગ 4 ના 125, આઈસીડીએસના મુખ્ય સેવિકા 37, ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિકના 150, ગ્રાન્ટેડ માધ્યમિકના 406, આચાર્ય સંઘના 51, વિશિષ્ટ શિક્ષક મંડળના 15, સરકારી વહીવટી મંડળના 25, આઈટીઆઇના 35, આરોગ્યના 41 લેબ ટેકનેશિયન, ગ્રામ સેવક 61, લેન્ડ રેકર્ડના 46, ગ્રાન્ટેડ વહીવટી મંડળના 225 તથા ન્યાય ખાતાના 350 કર્મચારીઓ મળી 9800 જેટલા કર્મચારીઓ માસ સીએલમાં જોડાઈ પોતાનો વિરોધ જાહેર કરશે.
માસ સીએલ પછી પણ સરકાર આ વિશે કોઈ હકારાત્મક નિર્ણય લેશે નહીં તો આગામી 22મી તારીખે પેન ડાઉન તથા 30ના સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદ્દતની હડતાળ યોજવામાં આવશે.