પડાણા પાસે છકડામાં યુવકને છરી દેખાડી કરાઇ લૂંટ

ટિમ્બરમાં કામ કરતો યુવક મોરબીથી મોડી રાત્રે ગાંધીધામ રેલવે સ્ટૅશને ઉતરી હાઈવે પર પડાણા તરફ જતા છકડામાં બેઠો આ છકડો ગળપાદરની જગ્યાએ પડાણા બાજુ વળ્યો અને તેમાં સવાર ચારમાંથી એકે છરી દેખાડીને યુવક પાસેથી રોકડ, મોબાઈલ સહિત કુલ 25,300ના મુદામાલની લુંટ કરી ત્યાંજ ઉતારી દીધો હતો.

મેઘપર બોરીચીમાં રહેતા મુળ બનાસકાંઠા તરફના ચંદ્રકાંત વ્યાસ અંજાર આરટીઓ સામે આવેલી એન.ડી. ટિમ્બરમાં ખાનગી નોકરી કરે છે, તેમણે ફરિયાદ નોંધાવતાં જણાવ્યું રાત્રીના અઢી વાગ્યે ગાંધીધામ રેલવે સ્ટેશન ઉતરીને એન.ડી. ટિમ્બર જવા માટે ગાંધીધામ થી ભચાઉ બાજુ જતા સર્વિસ રોડ પર ગોકુલ હોટલ બહાર ઉભા હતા તે સમયે તેમની પાસે રાત્રીના અઢી વાગ્યે એક છકડો આવ્યો, જેમાં ચાર લોકો સવાર હતા.

છકડામાં વચ્ચેની સીટમાં ફરિયાદી યુવક બેસી ગયો અને છકડો ગળપાદર જવાને બદલે તે પડાણા બાજુ વળ્યો, જેથી ફરિયાદી યુવકે છકડાને રોકવાનું કહેતા ડ્રાઈવરની આગળ બેઠેલા વ્યક્તિએ છરી બતાવીને કહ્યું કે “તારી પાસે જે કાંઈ હોય તે આપી દે’ જેથી યુવકે તેમનો 10 હજારની કિંમતનો મોબાઈલ આપી દીધો, તો ચારેય લોકોએ તેની પાસે રહેલી બેગ તપાસ કરતા તેમાંથી 15,300 રોકડ રરૂપીયા મળ્યા હતા. તેમણે તે પણ લઈ ફરિયાદીને રોડ પર ઉતારીને ભાગી ગયા હતા. ત્યારબાદ પીડીત યુવક પગપાળા ભાઈને ત્યાં પહોંચીને બનાવની જાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.