ગણેશનગરમાં ડ્રેનેજના ગંદા પાણીનો ઉકેલ ન થતા ભુખ હડતાલની અપાઈ ચીમકી

image-120
copy image

ગાંધીધામના ગણેશનગરમાં રહેતા સ્થાનિકોએ અનેકવાર રજુઆતોથી કંટાળીને જો તેમના વિસ્તારની ડ્રેનેજની સમસ્યાનું ઉકેલ નહી આવે તો હવે ભુખ હડતાલ પર બેસી જવાની જાહેરાત કરી. સ્થાનિકોએ કહ્યું કે અમે વારંવારની રજુઆતો અને ન આવતા નિરાકરણથી કંટાળ્યા છીએ. ગુરુવારે નગરપાલિકા કચેરી ધસી આવેલા ટોળાએ આ વિશે રજુઆત કરી હતી.

શહેરના સેક્ટર 6 તથા ગણેશનગરના પ્લોટ નં. 393 થી 403 સુધીમાં 18 ઓગસ્ટથી રોજ અલગ અલગ મકાનમાં ગટરના પાણીનો નિકાલ થતો ન હોવાની ફરિયાદ આવે છે. ગટરના ગંદા પાણી, પાણીની લાઈનમાં ભળી રહ્યા છે, જેથી આ વિશે રજુઆતો કરાતા આંશીક કાર્યવાહી કરાઈ પણ ગટરના પાણી નિરાકરણ વિશેની નક્કર કાર્યવાહી ન કરાતા લોકો પરેશાન થયા છે.

સ્થાનિકોએ કહ્યું કે તેમની જાણકારી મુજબ સેક્ટર 6માંજ જુની ગટર લાઈન બેસી ગઈ હોવાના કારણે આવું થઈ રહ્યું છે. ત્યારે આ વિશે થઈ ગયેલા સર્વે, અને અપાયેલા રિપોર્ટ પછી પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતા હવે ગંદા પાણી અંડરગ્રાઉન્ડ ટાંકીઓમાં પ્રસરતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો અને ઝાડા ઉલ્ટી તેમજ તાવના કેસ સામે આવવા લાગ્યા છે. સીઓને સંબોધીને કરેલ રજુઆતમાં સ્થાનિકોએ કહ્યું કે આ વિસ્તારના રહેવાસીઓની સહન શક્તિ હવે જવાબ આપી રહી છે, જેથી ન છુટકે ટુંક સમયમાં નગરપાલિકા કચેરી સામે જ ભુખ હડતાલ કરાશે.