ગૌચર ભૂમિ પરથી દબાણ દૂર ન થતા રામવાવના યુવકે શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

copy image

રાપર તાલુકાના રામવાવ ગામમાં ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીન પર દબાણો કરી લેવાતા રામવાવ ગામના યુવાન શિવુભા દેશળજી જાડેજાએ તે દબાણો દૂર કરવા માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા, જેમાં હાઇકોર્ટે દબાણ દુર કરવા રાપર તાલુકા પંચાયત તથા રામવાવ ગ્રામ પંચાયત હુકમ કર્યો હતો. પરંતુ દબાણો યથાવત જ રહ્યા.

જેના લીધે અરજદાર યુવકે અંતિમ રસ્તો અપનાવી રાપર તાલુકા પંચાયત કચેરી મધ્યે પોતાના શરીરે કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પપ્રયત્ન કર્યો હતો પરંતુ રાપર પોલીસની સતર્કતાથી કમ્પાઉન્ડની બહાર યુવક ડબ્બા માંથી કેરોસીન છાંટીને દીવાસળી ચાંપે તે પહેલાં પોલીસ દ્વારા તેની અટક કરી લેવાઇ હતી. બાદમાં દબાણ દુર કરવા માટે રાપર તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા અને મામલતદાર તથા ગ્રામ પંચાયતે લેખિતમા ખાતરી આપી હતી કે દબાણ પંદર દિવસમાં દૂર કરવામાં આવશે.

​​

રાપર તાલુકા પંચાયત કચેરી મધ્યે યુવાનના આત્મવિલોપન વેળાએ મામલતદાર કે.આર. ચૌધરી, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે ગઢવી, તાલુકા વિકાસ અધિકારી મોઢેરા સહિતનો વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર તેમજ ફાયર વિભાગ દ્વારા સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, તો બીજી બાજુ યુવકને આવું પગલું ભરતા અટકાવવા માટે રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજના આગેવાનો અનોપસિંહ વાધેલા, હઠુભા સોઢા, મોકુભા જાડેજા, રાણુભા જાડેજા સહિતના આગેવાનો અને રામવાવ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ટીડીઓની કામગીરી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરાયો હતો.

રાપર તાલુકા પંચાયતના ખાડે ગયેલા વહીવટના કારણે રાપર તાલુકાના તમામ ગામોમાં ગૌચર અને સાર્વજનિક જમીન પર દબાણ થયા છે જો આ વિશે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો રાપર તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવું જણાવ્યું હતું.

અરજદાર શિવુભા રાપર તાલુકા પંચાયત કચેરીમાં દબાણો હટાવવા અનેકવાર અરજી આપવા માટે જતા પરંતુ રાપરના ટીડીઓ દ્વારા રૂબરૂ અરજી સ્વીકારવાની ના કહી પોસ્ટ મારફતે અરજી મોકલવા જણાવવામાં આવતું. આત્મવિલોપનના ઘટનાક્રમના લીધે ટીડીઓનું ઘમંડ જાણે તૂટ્યું  હોય તેમ પંદર દિવસમાં દબાણ હટાવવાનું વચન આપ્યો. જો દબાણ દૂર ન થાય તો હાઈકોર્ટના હુકમનો અનાદર બદલ ટીડીઓ અને સરપંચ સામે અદાલતી તિરસ્કારની કાર્યવાહી કરવી જોઈએ તેવું લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.

વર્ષો પહેલા રાપર તાલુકાના ડાવરી ગામની જમીન બાબતે રાપર મામલતદાર કચેરીમા જબરદાન ગઢવીએ આત્મવિલોપન કર્યું જેમાં તેમનો જીવ ગયો હતો. જેમાં તપાસ કમિટી રચાઈ હતી ,જેનો રિપોર્ટ હજુ સુધી બહાર નથી આવ્યો. જેના લીધે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.