200 કરોડના ડ્રગ્સની વધુ માહિતી ઉગળાવવા 6 પાકિસ્તાનીઓ 12 દિવસના રિમાન્ડ પર

જખૌ દરિયા પાસેથી 200 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા 6 પાકિસ્તાની આરોપીઓ પાસેથી વધુ માહિતી ઉગડવાવા માટે એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે ભુજની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અદાલતે નાપાક ઇસમોના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

પાકિસ્તાન તરફથી આવેલા 200 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાના કરાંચીના મોહમદ સોહેલ, મોહસીન સહજાદ,ઝહૂર અહેમદ,કામરાન મુસા,મોહમદ શફી અને ઇમરાન નામના 6 ખલાસીઓને એટીએસ તેમજ કોસ્ટગાર્ડ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. આ ડ્રગ્સનો જથ્થો પંજાબના અમૃતસરની જેલમાં રહેલા નાઇજિરિયન કેદી અને પશ્ચિમ દિલ્હીના કપૂરથલા જેલના કેદી મહેરાજ રહેમાની અબ્દુલ સતારના ઇશારે પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે મંગાવ્યો હોવાનું બહાર આવ્યું.

ડ્રગ્સ સાથે પકડાયેલા પાકિસ્તાની નાગરિકો પાસેથી વધુ વિગતો માટે એટીએસ દ્વારા રિમાન્ડની માગણી સાથે ગુરૂવારે ભુજની સ્પેશીયલ એનડીપીએસ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ વતીથી સ્પેશીયલ પબ્લિક પ્રોસિક્યુટર કલ્પેશભાઇ ગોસ્વામી અદાલત સમક્ષ એવી રજુઆત કરી હતી કે, ડ્રગ્સ માફિયાઓ પોતાના મજબુત નેટવર્કથી આટલો મોટો જથ્થો મંગાવતા હોય તો, આ પકડાયેલા પાકિસ્તાની નાગરિકો પાસેથી દિલ્હી અને પંજાબની જેલમાં બેઠેલા કેદીઓના કહેવાથી કોણ જથ્થો લેવા આવવાનું હતું. તથા ક્યા રાજ્યમાં અને કોને મોકલવાનો હતો.

ડ્રગ્સ જથ્થો મંગાવવા માટે ભારતમાંથી કોણે ફાયનાન્સ કર્યું, માલ મંગાવનારા વ્યક્તિઓના ત્રાસવાદી સંઘઠનો સાથે જોડાયેલા છે કે કેમ ઉપરાંત પહેલા પકડાયેલા ડ્રગ્સ માફિયાઓ સાથે આરોપીઓના કેટલા તાર જોડાયેલા છે. તે જાણવા રિમાન્ડ જરૂરી હોવાની રજુઆત કરવામાં આવતા અદાલતે આરોપીઓના આગામી 26મી સપ્ટેમ્બર બપોર સુધીના રિમાન્ડ મંજુર કર્યા.