અંભેટા ગામમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું

વાગરા તાલુકાના અંભેટા ગામમાં દશામા મંદિર નજીક પતરાની કેબીનમાં ચાલતાં ગેરકાયદે ગેસ રિફીલિંગનું કૌભાંડ દહેજ મરીન પોલીસની ટીમે પકડી પાડ્યું હતું. પોલીસે સંચાલકની અટક કરી 4 ગેસના બોટલ સહિત કુલ 13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વાગરા તાલુકામાં આવેલાં અંભેટા ગામમાં દશામા મંદિર પાસે એક ઈસમ પતરાનું કેબીન બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલ કરવાનું કૌભાંડ આચરતો હોવાની ચોક્કસ માહિતી દહેજ મરીન પોલીસને મળી હતી. જેના અનુસંધાને ટીમે સ્થળ પર દરોડો પાડતાં વસંત દલપત ગોહિલ નામનો ઈસમ તેની કેબીનમાં લાકડાના ટેબલ પર ઇન્ડેન કંપનીનો ગેસનો બોટલ ઉંધો મુકી રિફીલિંગ પાઇપથી અન્ય એક ભુરા કલરના ગેસના બોટલમાં ગેસ ભરતો પકડાઈ ગયો હતો.
ટીમે તેની પાસે ગેસ બોટલ રાખવા તેમજ રીફીલિંગ કરવા અધિકૃત પરવાનાની માંગણી કરતાં તે ન મળતાં ટીમે સ્થળ પરથી નાના-મોટા 4 બોટલ, વજન કાંટો તેમજ પાઇપ સહિત કુલ 13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગેસ રીફીલિંગનું કૌભાંડ આચરતા વસંત દલપત ગોહિલ વિરુદ્ધ દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કૌભાંડમાં અન્ય કોઇ સંડોવાયેલું છે કે કેમ તેની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે.