સારી માછલીની લ્હાયમાં લક્કી ક્રિકમાં ઘુસેલા ઓખા અને દિવના 70 માછીમાર ઝડપાયા

સરહદી લખપતના નારાયણ સરોવરની લક્કી ક્રિકમાં સારી માછલી મેળવવાની લાલચમાંઘુસી આવેલા ઓખા અને દિવના 70 માછીમારોને 10 બોટ સાથે પકડી પાડીને બીએસએફની ટીમે પૂરાવા તપાસીને મત્સ્ય વિભાગને સોંપી દેવાયા.
દરિયામાં માછીમારો માટે મત્સ્ય વિભાગ દ્વારા માછીમારી માટે જુદા-જુદા વિસ્તારો નિર્ધારીત કરવામાં આવ્યા હોય છે અને જે-તે માછીમારો નિર્ધારીત કરાયેલા વિસ્તારમાં જ માછીમારી કરી શકે છે તેમ છતાં પણ સારી માછલી મેળવવાની લાલચમાં સાગરખેડૂઓ પોતાનો વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં ઘુસી જતા હોય છે અને આવી ઘટના અવાર-નવાર બનતી હોય છે
ત્યારે હાલમાં જ લક્કી ક્રિકમાં 10 બોટ સાથે ઘુસી આવેલા માછીમારોને બીએસએફના જવાનોએ પકડી પાડ્યા હતા. પોતાનો નિર્ધારિત વિસ્તાર છોડીને લક્કી ક્રિકમાં ઘુસી આવેલી દિવની 6 અને ઓખાની 4 બોટ સાથે 70 માછીમારો પાસેથી આધાર-પૂરાવા તપાસી બીએસએફએ વધુ તપાસ માટે મત્સ્ય વિભાગને સોંપ્યા હતા. આ વિસ્તારમાં હજુ પણ અન્ય વિસ્તારના માછીમારો નથી ને તે તપાસવા માટે બીએસએફ અને મત્સ્ય વિભાગે પેટ્રોલિંગ જારી રાખ્યું છે.
સ્થાનિક માછીમારોના કહેવા અનુસાર આ રીતે અવાર-નવાર અન્ય વિસ્તારના માછીમારો આ વિસ્તારમાં ઘુસી આવે અને સારી માછલીનો જથ્થો લઇ જાય. જો આ રીતે ઘુસણખોરી ચાલુ રહેશે તો સ્થાનિક નાના માછીમારો માછલીનો પૂરતો જથ્થો ન મળવાથી પરેશાનીમાં મૂકાઇ જશે.