જુની સુંદરપુરીના ઘરમાંથી રૂ. 82 હજારના દારૂ સાથે 2 સખ્શ પકડાયા

ગાંધીધામના જુની સુંદરપુરીના રહેણાક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે રૂ.82 હજારના વિદેશી દારૂ અને બિયર સાથે બે સખ્શને પકડી લીધા હતા જ્યારે આ જથ્થો પહોંચાડનાર આરોપી હાજર મળ્યો હતો નહિ. પીઆઇ એ.બી.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત રાત્રે સાડા અગિયાર વાગ્યે ટીમ પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, સુંદરપુરી રહેતા નવિન કાનજી ભટ્ટી, નંદુ અને હિતેષ કાન્તિભાઇ સોનેરી હિતેષના મકાનમાં વિદેશી દારુનો જથ્થો રાખી વેંચાણ કરે છે.
આ બાતમીના આધારે હીતેષના મકાનમાં દરોડો પાડી રૂ.82,200 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની 408 બોટલો તથા 216 બિયરના ટીન મળી આવતાં આરોપી હિતેષ કાંતીભાઇ સોનેરી અને નરેન્દ્ર ઉર્ફે નંદુ કાનજીભાઇ ભટ્ટીની ધરપકડ કરાઈ હતી જ્યારે નવિન કાનજી ભટ્ટી દરોડા સમયે હાજર મળ્યો નહિ. ત્રણે સામે એએસઆઇ ગોપાલ મહેશ્વરીએ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.