બોરસદમાં ગેસ એજન્સીની ઓફિસમાંથી રૂ.29 હજાર ચોરાયાં, તસ્કરોએ CCTV કેમેરો તોડી નાંખ્યો, DVR પણ લઇ ગયાં

બોરસદમાં આવેલી HP ગેસ એજન્સીમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરોએ CCTV કેમેરા તોડી અંદર ઘુસી રૂ.29  હજારની ચોરી કરી હતી. આ અંગે બોરસદ પોલીસે ગુનો નોંધ્યો હતો.

બોરસદના કાશીપુરામાં રહેતા રવિકુમાર પટેલ HP ગેસ એજન્સીના મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓ 15મી સપ્ટેમ્બર,22ના રાતના સવા આઠેક વાગે ઓફિસ બંધ કરી ગયા હતા અને બીજા દિવસે 16મીના રોજ સવારે ઓફિસે આવ્યાં તે સમયે ગેટની બહારનો કેમેરો કોઈએ તોડી નાંખ્યો હતો. આથી, ઓફિસના અન્ય કર્મચારીઓને બોલાવી તપાસ કરતાં ઓફિસમાં પ્રવેશવાનું મેઇન શટર કોઇક ઇસમે તોડી નાંખ્યું હતું અને શટર ઉંચુ કરી અંદર જોયું તો ઓફિસના ચાર CCTV કેમેરા અને DVRની ચોરી થઇ હતી અંદર ઓફિસમાં મુકેલી તિજોરીમાં મુકેલા રોકડ રૂ.29 હજારની ચોરી થઇ હતી. આ અંગે બોરસદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.