MD ડ્રગ્સની તપાસનો દોર અમદાવાદ સુધી લંબાવાયો

આણંદ શહેર સહિત વિદ્યાનગરમાં મોટાપાયે ખાનગી રાહે ડ્રગ્સનું ચલણ ચાલી રહ્યું છે. જેના પગલે ટુંકગાળામાં આણંદ પંથકમાં ત્રણ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક શખ્સને 75 હજારના ડ્રગ્સ સાથે ઝડપી પાડયો. આ શખ્સને શનિવારે આણંદ કોર્ટમાં રજૂ કરતા કોટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રીમાન્ડ દરમિયાન તે આ ડ્રગ્સ અમદાવાદ ફતેવાડી વિસ્તારમાંથી શાહરૂખ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાનું કબુલાત કરી.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે અસ્લમ શબીરશા દિવાન (રહે, આણંદ, ગામડી રોડ રેલવે સી કેબીનની સામે રજબશા કવાટર્સ) ને શાસ્ત્રી મેદાન પાસે કોર્ડન કરી તલાસી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી 7.85 ગ્રામ MD ડ્રગ્સ મળ્યું હતું. પોલીસે રૂા. 80500નો મુદ્દામાલ જપ્ત કરી અસ્લમની ધરપકડ કરી. તેને શનિવારે આણંદ કોર્ટમાં રજૂ કરતા કોટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અસ્લમે આ MD ડ્રગ્સ અમદાવાદ ફતેવાડી વિસ્તારમાં રહેતા શાહરુખ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાની કબુલાત કરી છે. જેને પગલે અમદાવાદ સુધી તપાસનો દોર લંબાવાયો છે.

ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાંથી ત્રીજી વખત MD ડ્રગ્સ પકડાતાં પોલીસ એલર્ટ બની છે. આણંદના અસલમ ઉપરાંત કેટલા ડ્રગ પેડલર નશાનો વેપાર કરી રહ્યાં છે તેની તપાસ શરૂ કરી છે. ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.