સુરેન્દ્રનગર-મુળી રોડ પરથી રિક્ષામાંથી દેશી દારૂ સાથે 3 શખ્સ પકડાયા

copy image

જોરાવરનગર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન દેશીદારૂ સાથે રીક્ષા વિશે બાતમી મળી હતી. આથી સુરેન્દ્રનગર મુળી રોડપર વોચ ગોઠવી દેશીદારૂ સાથે ત્રણ ઇસમોને ઝડપી લેવાયા હતા.તેમની પાસેથી 515 લીટર દેશીદારૂ, રીક્ષા, બાઇક સહિત રૂ.81,300નો મુદામાલ કબ્જે કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી દેશીવિદેશીદારૂની બદીને નાબુદ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી. આથી જોરાવરનગર પોલીસ ટીમ દ્વારા પેટ્રોલીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સર્વેલન્સસ્ટાફ અને એએસઆઇ હેમદિપભાઇ મારવણીયા વહેલીસવારે પેટ્રોલીંગમાં હતા તે દમિયાન મુળી રોડ પરથી એક રીક્ષામાં દેશીદારૂ વાળી રીક્ષા અને આગળ એક બાઇક આવતુ હોવા વિશે બાતમી મળી હતી.આથી મેક્શનસર્કલે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં પ્રથમ બાઇક ચાલક ચોટીલાના ભોજપરીના હરેશભાઇ ભલાભાઇ બથવારને પકડી લેવાયો હતો.

જ્યારે રીક્ષાચાલકને અટકાવવા જણાવતા તેણે રીક્ષા મેકશન સર્કલથી વઢવાણ તરફ ભગાડી હતી. આથી પોલીસે પીછો કરી જોરાવરનગરના વિનોદ ઉર્ફે મુંડી નટુભાઇ વ્યાસ, મુકેશગીરી હરદેવગીરી ગોસ્વામીને પકડી લેવાયા હતા અને રીક્ષા તથા 515 લીટર દેશીદારૂ, બાઇક, મોબાઇલ સહિત રૂ.81300નો મુદામાલ કબ્જે કરી ત્રણેય સામે જોરાવરનગર પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ સરદારસિંહ સહિત જોરાવરનગર પોલીસ ટીમ જોડાઇ હતી.