સરસ્વતીના મેલુસણ પાસે ડમ્પરની ટક્કરે આવતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત

પાટણ-શિહોરી હાઈવે પર સાંજે 5:30 કલાકે સરસ્વતી તાલુકાના મેલુસણ ગામ પાસે શિહોરી તરફથી આવી રહેલ બાઈક ચાલકને પાટણ તરફથી બનાસ નદીની રેતી ભરવા જતાં ડમ્પર ચાલકે બાઈકને સામેથી ટક્કર મારતાં બાઈક ચાલક રોડ પર પડતાં પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ધારપુર સિવિલ પછી અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા.

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણા ગામના વાઘેલા ભાવસંગ જહુજી (GJ.08 BQ 5687) બાઈક લઈને જતાં હતા તે સમયે સામેથી આવી રહેલ ડમ્પર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા અને ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો.

સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા 108 પાયલોટ વિનોદભાઈ રાઠોડ અને ઈએમટી રાકેશભાઈ નાઈ ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત બાઈક ચાલક ભાવસંગ વાઘેલાને ધારપુર સિવિલમા ખસેડ્યા જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ મધ્યે ખસેડવામાં આવ્યા હતા અને તેમનો પગ કચડાઈ જવાને કારણે પગ કપાવો પડયો હતો.