બાવળાના રૂપાલ ગામના યુવકને ગાડીમાં ઉપાડી જઇને માર મરાયો


બાવળા તાલુકાના રૂપાલ ગામના યુવકને 4 વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ હોવાથી કોર્ટમાં લગ્ન કર્યા હતાં. જેનું મનદુ:ખ રાખીને 3 વ્યકિતએ તેને ગાડીમાં ઉપાડી જઇ ગડદા પાટુનો અને લાકડીથી માર મારી હવે પછી રૂપાલ ગામમાં આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતાં, કેરાળા જી.આઇ.ડી.સી પોલીસમાં ત્રણેય સખ્શ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બાવળાના રૂપાલ ગામમાં રહેતાં સાજીદ યાસીનભાઇ વ્હોરાએ કેરાળા જી.આઇ.ડી.સી પોલીસમાં ફરીયાદ દાખલ કરાવી છે સાડા 9 વાગ્યાની આસપાસ ધોળકાથી એકટીવા લઇને મારા માસીના દિકરા સોહીલ મુસાભાઇ વ્હોરાને મળીને સાડા 10 વાગ્યે જીવાપુરાથી નીકળી ઘરે જતો હતો, ત્યારે બાવળા બગોદરા હાઇવે ઉપર આવેલી રવેચી ટી સ્ટોલ ઉપર ચા પાણી માટે રોકાયો ત્યાં ગાડીમાં રૂપાલ ગામનાં ઇકબાલ ઉર્ફે ખલ અબ્દુલભાઇ વ્હોરા, તેમનો દિકરો વકાર અને આકીબભાઇ મેહમુદભાઇ વ્હોરા આવીને ઇકબાલભાઇ મારી પાસે આવતાં હતા અને તેની પાછળ બંને આવતાં જેથી તે મને મારશે તેવો ભય લાગતાં હું ઉભો થઈને ભાગવા જતાં નીચે પડયો ઇકબાલભાઈએ મને પકડી પાડીને મને ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો.
વકાર અને આકીબભાઈ પણ મને ગડદા પાટુનો માર મારવા માંડ્યા હતા. ત્રણેયે મને પકડીને ઢસડતા-ઢસડતા ગાડીની પાછળની સીટમાં બેસાડી દિધો હતો. અને રૂપાલ સાલજડા રોડ ઉપર લાવીને ત્યાં ગાડી ઉભી રાખીને નીચે ઉતારીને મને જેમ ફાવે તેમ ગાળો બોલીને ગડદા પાટુનો માર મારીને ગાડીમાંથી નાની લાકડી કાઢીને પગે તથા બરાડાના ભાગે માર માર્યો. મને કહેતા હતા કે આજ પછી રૂપાલ ગામમાં આવીશ તો તને જાનથી મારી નાખીશું, તેવી ધમકી આપીને મને રૂપાલ સાલજડા રોડ ઉપર મુકી ત્રણેય ગાડીમા બેસીને જતા રહ્યા.