શિકરામાં 5 ટેન્કર ચાલકોએ 45 હજારનું ડિઝલ ચોરી હોટલ સંચાલકને વેંચ્યું

ભચાઉ-ભુજ હાઇવે પર શિકરા પાસે આવેલી હાઇવે હોટલ પર ઉભેલા 5 ટેન્કરમાંથી તેના ચાલકો અને ક્લીનર ડિઝલ ચોરી કરી હોટલ સંચાલકને સસ્તામાં વેંચી રહ્યા હતા તે જ દરમિયાન સ્થાનિક પોલીસે દરાડો મારી ગાંધીધામની રોડલાઇન્સ કંપનીને જાણ કરી. કંપનીના મેનેજરે રૂ.45000 નું ડિઝલ ચોરી કરાયું હોવાની ફરિયાદ દાખલ કરાવી ખરીદનાર સહિત 7 સામે ફોજદારી નોંધાવી હતી.

ગાંધીધામની અગ્રવાલ રોડલાઇન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પુરવભાઇ મનોજભાઇ સુથારે ભચાઉ પોલીસ મથકે દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમની કંપનીના 5 ટેન્કરો જામનગરથી ડીઝલ ભરી હાજીપીર તરફ ખાલી કરવા જઈ રહ્યા હતા. ભચાઉ ભુજ હાઇવે પર શીકરા પાસે આવેલી મોમાયકૃપા હોટલ પર આ પાંચે ટેન્કરો ઉભા હતા અને ચાલકો અને ખલાસી આ ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હતા તે જ દરમિયાન ભચાઉ પોલીસે દરોડો પાડી ઝડપ્યા પછી તેમની કંપનીમાં પોલીસે જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

તપાસ કરતાં આ ચાલકો અને ક્લીનરો દ્વારા ટેન્કરમાંથી રૂ.45,000 ની કિંમતનું 500 લીટર ડીઝલ ચોરી મોમાયકૃપા હોટલના સંચાલકને સસ્તામાં વેંચી દેતા હોવાનું જાણવા મળતાં તેમણે ટ્રક ચાલકો અને ક્લીનર સુનિલકુમાર બલરામ નિશાદ, અમિત લાલબહાદુર રાજપુત, ઇન્દ્રેશ શિવમુરત યાદવ, કૃષ્ણકુમારસિંહ ફુલચંદસિંહ રાજપુત, પ્રદિપકુમારસિંહ બબુંદરબહાદુરસિંહ રાજપુત, યોગેન્દ્રકુમાર અશોકકુમાર પાઠક ઉપરાંત આ ડીઝલ ખરીદનાર મોમાયકૃપા હોટલના સંચાલક જિતેન્દ્રસીંહ વનરાજસિંહ જાડેજા સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. આ બનાવમાં પોલીસે દરોડો પાડી ડીઝલ ચોરી પકડ્યા પછી ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે તપાસ પીએસઆઇ વી.પી.આહિર ચલાવી રહ્યા છે.