ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોએ વિરોધ દર્શાવી 182 ધારાસભ્યોને બે- બે બદામ મોકલી

image-175
copy image

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રૂપિયા 500 કરોડની સહાય ગૌશાળા પાંજરાપોળ સંચાલકોને ન મળતા રવિવારે ગુજરાતના 182 ધારાસભ્યો ને બે બે નંગ બદામ કુરીયર દ્વારા મોકલી નવતર વિરોધ કરાયો હતો. ગુજરાત સરકાર દ્વારા છ મહિના પૂર્વે 500 કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી પરંતુ સરકાર દ્વારા આજ દીન સુધી સહાય માટે એક પણ પરિપત્ર કે સહાયનો રૂપિયો ન મળતાં બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને અબોલ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.

છેલ્લા બે મહિનાથી સહાય માટે સાધુ સંતો અને ગૌશાળા પાંજરાપોળના સંચાલકો તેમજ ગૌસેવકો અલગ અલગ પ્રકારના આંદોલનો કરે છે તેમ છતાં સરકારના પેટનું પાણી નથી હાલતું. આથી રવિવારે બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા પાંજરાપોળ સંચાલકોએ ડીસા મધ્યેથી ગુજરાતના 182 ધારાસભ્યોને કુરિયર દ્વારા બે બે નંગ બદામ મોકલી સરકારની  યાદ શક્તિ વધે અને અબોલ ગાયોને સહાય તાત્કાલિક આપે તેવી રજૂઆત માટે નવતર વિરોધ કરાયો હતો.

ગુજરાતમાં સરકાર દરેક ચૂંટણીમાં ગાય માતા અને હિન્દુત્વના નામથી વોટ માગી સત્તા હાંસલ કરે છે ત્યારે ભાજપની સરકાર ગાય માતા ને જ ભૂલી ગઈ છે તેમ ગૌભક્ત ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ જણાવ્યું હતું.

સરકાર દ્વારા 500 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી પરંતુ સમય વિતવા છતાં પણ સહાય ન મળતા સત્તાધીશોની યાદશક્તિ વધે તે માટે ધારાસભ્યોને બે બે નંગ બદામ મોકલવામાં આવી છે તેમ સંચાલક જગદીશભાઈ માળીએ જણાવ્યું હતું.