મૌવાણાના રણમાંથી કચ્છમાં લઈ અવાતો શરાબ સાયબર પોલીસે ઝડપ્યો

આડેસર ચેક પોસ્ટ પર અવર-નવર મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો પકડાતો હોય છે, ત્યારે કચ્છમાં શરાબ ઘુસાડવા બુટલેગરો દ્વારા નવી તરકીબો અજમાવવામાં આવી રહી છે અને રણના રસ્તે શરાબનો જથ્થો જિલ્લામાં પહોચાડવામાં આવી રહ્યો છે, ત્યારે હવે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેંજ આઈ.જી.ની ટીમ સાઈબર સેલ-ભુજ દ્વારા મોવાણા પાસેથી મધ્ય રણ માંથી બોલેરો વડે સાંતલપુરથી કચ્છમાં લઇ અવાતા શરાબ-બીયરના જથ્થા સાથે 1 સખ્શને પકડી લેવામાં આવ્યો હતો.

આ વિશે બાલાસર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર સાઈબર ક્રાઈમ સરહદી રેંજ-ભુજની ટીમને બાતમી મળી હતી કે, સાંતલપુરના વૈવા મધ્યેથી કચ્છમાં શરાબ લઇ આવવામાં આવી રહ્યો છે, જે બાતમી આધારે ટીમ દ્વારા મોવાણા ગામથી વૈવા તરફ જતા રણના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન બાતમી વાળી બોલેરો પસાર થતા તેને થોભાવી તપાસ કરતા બોલેરો માંથી રૂ. 2,51,120ના કિમતની શરાબ અને બિયરની કુલ 1832 બોટલો મળી હતી.

આ કારમાં ડ્રાઈવર તરીકે ગેડી ગામનો શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલુભા ગોવિંદસિંહ સોઢા હોવાથી તેને પકડી લીધો હતો. બાદમાં તેની પુછપરછ કરતા ગેડી ગામમાં જ રહેતા અર્જુનસિંહ હેતુભા વાઘેલાએ આ માલ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. સાથે થરાદ મધ્યે રહેતા ભલાભાઈ જીવાભાઈ રાજપૂતે આ માલ મોકલ્યો હોવાનું અને એક સ્કોર્પીઓનો ચાલક ડીલીવરી આપવા આવ્યો હોવાની કબૂલાત કરતા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ માટે પકડાયેલા આરોપી અને મુદ્દામાલ બાલાસર પોલીસને સોપવામાં આવ્યો હતો.